રશિયા-અમેરિકા વચ્ચે સાપ-નોળિયા જેવી દુશ્મની? ભારતની લોકસભા ચૂંટણી સાથે કનેક્શન
Lok Sabha Elections 2024: વિશ્વની સૌથી મોટી લોકશાહી અને પૃથ્વીની સૌથી મોટી અને સૌથી મોંઘી ચૂંટણી ભારતમાં યોજાઈ રહી છે. જ્યાં તમામ રાજકીય પક્ષો પોતપોતાના દાવા સાથે રેલીઓ કરી રહ્યા છે. આરોપો અને પ્રતિ-આક્ષેપોનો સિલસિલો પોતાને બીજા કરતા શ્રેષ્ઠ સાબિત કરવાનો ચાલુ જ છે. જાણે સત્તા મેળવવા માટે નેતાઓ કંઈ પણ કરવા તૈયાર હોય તેમ લાગી રહ્યું છે. એકંદરે ભારતની ચૂંટણીનું ગ્લેમર એટલું જોરદાર છે કે તેના પડઘા વિશ્વના અન્ય દેશોમાં પણ પડી રહ્યા છે. રશિયા અને અમેરિકા પણ આનાથી અછૂત નથી.
ભારતમાં ચૂંટણી થઈ રહી છે. પરંતુ અમેરિકા અને રશિયા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી દુશ્મનાવટને કારણે તણાવ વધી ગયો છે. તેની પાછળનું કારણ પણ ભારતમાં થઈ રહેલી ચૂંટણીઓ છે. ભારતનો જૂનો મિત્ર રશિયા કોઈપણ સંજોગોમાં ભારતના રાજકારણમાં અમેરિકાના પ્રવેશને સહન કરી શક્યું નહીં અને રશિયાએ અમેરિકાને જડબાતોડ જવાબ આપ્યો.
રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ અમેરિકા પર ગંભીર આરોપ લગાવ્યા છે. મારિયાએ કહ્યું, ‘ભારતમાં ચાલી રહેલી ચૂંટણીઓ વચ્ચે અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા આરોપો પાછળનું કારણ ભારતની આંતરિક રાજકીય પરિસ્થિતિને અસંતુલિત કરવાનું અને સામાન્ય ચૂંટણીઓને જટિલ બનાવવાનું છે. વોશિંગ્ટનની કાર્યવાહી સ્પષ્ટપણે ભારતની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ છે.
જ્યારે રશિયાએ અમેરિકા પર ભારતમાં યોજાઈ રહેલી ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાનો આરોપ લગાવ્યો હતો. અમેરિકામાં પણ તાકીદ વધવા લાગી. અમેરિકાએ પણ રશિયાના આરોપોનો સંપૂર્ણ તૈયારી સાથે જવાબ આપ્યો અને પોતાના પર લાગેલા આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું, ‘અમે ભારતીય ચૂંટણીઓમાં પોતાને સામેલ કરતા નથી કારણ કે અમે વિશ્વની કોઈપણ ચૂંટણીમાં પોતાને સામેલ કરતા નથી. આ નિર્ણય ભારતની જનતાએ લેવાનો છે. જોકે, અમેરિકા અગાઉ પણ રશિયા પર નિષ્પક્ષ ચૂંટણી ન કરાવવાનો આરોપ લગાવી ચૂક્યું છે.
રશિયા કેમ ગુસ્સે થયું?
રશિયામાં 15-17 માર્ચ વચ્ચે સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી. આમાં પુતિન 88% મતો સાથે 5મી વખત રશિયાના રાષ્ટ્રપતિ બન્યા. તેના પર અમેરિકાએ આરોપ લગાવ્યો હતો કે પુતિન દેશમાં કોઈ વિપક્ષી નેતાને ટકી રહેવા દેતા નથી. રશિયામાં નિષ્પક્ષ ચૂંટણીઓ નથી. ભારતમાં ચૂંટણીના માહોલ વચ્ચે રશિયાને આ તક મળી અને તેણે અમેરિકા પર ભારતમાં યોજાઈ રહેલી ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાનો આરોપ લગાવ્યો. બંને દેશો વચ્ચેની દુશ્મની જૂની છે.
હકીકતમાં ભારતમાં લોકસભા ચૂંટણીની પ્રક્રિયા શરૂ થયા બાદ અમેરિકા દ્વારા ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા અને ભેદભાવને લઈને એક રિપોર્ટ જારી કરવામાં આવ્યો હતો. અમેરિકા સહિત ઘણા પશ્ચિમી દેશોએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ પર સવાલ ઉઠાવ્યા હતા. જે બાદ રશિયાએ ભારત સાથે મિત્રતા નિભાવતા અમેરિકાને ભીંસમાં મુક્યું હતું.