January 21, 2025

કરીના કપૂરની વધશે મુશ્કેલીઓ! મધ્યપ્રદેશ હાઈકોર્ટે ફટકારી નોટિસ, જાણો શું છે મામલો?

મુંબઈ: મધ્યપ્રદેશ હાઈકોર્ટે બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂરને નોટિસ ફટકારી છે. આ મામલો પ્રેગ્નેન્સી પર લખેલા તેમના પુસ્તક સાથે જોડાયેલો છે. પુસ્તકના શીર્ષકમાં બાઇબલ શબ્દનો ઉપયોગ કરવા બદલ એક વ્યક્તિએ તેની સામે કેસ દાખલ કરવાની માંગ કરી છે. આ સંબંધમાં વ્યક્તિએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. અગાઉ એડિશનલ સેશન્સ કોર્ટે આ કેસમાં અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ એડવોકેટ ક્રિસ્ટોફર એન્થોનીએ આ આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો છે.

હાઈકોર્ટે કરીના કપૂરને નોટિસ પાઠવીને 7 દિવસમાં જવાબ આપવા કહ્યું છે. અરજીકર્તાએ તેમના પર ખ્રિસ્તી સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. અરજદારે કહ્યું છે કે કરીના કપૂર ખાનના પુસ્તક ‘કરીના કપૂર ખાનની પ્રેગ્નન્સી બાઇબલ’માં ‘બાઇબલ’ શબ્દનો ઉપયોગ કરીને ખ્રિસ્તી સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ કરીના કપૂર વિરુદ્ધ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ થવો જોઈએ.

કરીના કપૂર ખાન ઉપરાંત અરજીના અન્ય પ્રતિવાદીઓ એમેઝોન ઓનલાઈન શોપિંગ, જગરનોટ બુક્સ અને પુસ્તકના સહ-લેખક છે. સૌથી પહેલા આ મામલામાં એન્થોનીએ જબલપુરના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે કરીનાએ ખ્રિસ્તી સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે કારણ કે ‘હોલી બુક બાઈબલ’ની તુલના અભિનેત્રીની પ્રેગ્નેન્સી સાથે ન થઈ શકે.

જ્યારે પોલીસે કેસ નોંધવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે વકીલે મેજિસ્ટ્રેટ કોર્ટમાં ગયા હતા અને સમાન કેસની માંગ કરતી ખાનગી ફરિયાદ દાખલ કરી હતી. જો કે, મેજિસ્ટ્રેટ કોર્ટે પણ આ આધાર પર અરજીને ફગાવી દીધી હતી કે ફરિયાદકર્તા એ સ્થાપિત કરવામાં નિષ્ફળ ગયા હતા કે કેવી રીતે ‘બાઇબલ’ શબ્દના ઉપયોગથી ખ્રિસ્તી સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચી છે. આ પછી તેણે એડિશનલ સેશન્સ કોર્ટનો સંપર્ક કર્યો હતો જેણે પણ કોઈ રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. આવી સ્થિતિમાં અરજદારે હવે હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે.