December 19, 2024

રથયાત્રાના પર્વનો અખાત્રીજથી શુભારંભ, આજે ચંદનયાત્રા યોજાશે

અમદાવાદઃ ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાનું આયોજન કરવામાં આવશે. ત્યારે અખાત્રીજના દિવસથી રથયાત્રાના પર્વનો શુભારંભ થઈ જતો હોય છે. આ પ્રસંગે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરેથી પ્રથમ ચરણમાં ચંદનયાત્રા યોજવામાં આવશે.

આ ચંદનયાત્રામાં હાથી-ઘોડા જોડાશે. મહત્વનું છે કે, ભગવાન જગન્નાથની રથયાત્રામાં પણ હાથીનું ખાસ મહત્વ છે. અષાઢી બીજે જ્યારે ભગવાન જગન્નાથ ભાઈ-બહેન સાથે નગરચર્યાએ નીકળશે. ત્યારે પણ ગજરાજ આ યાત્રામાં સૌથી મોખરે ચાલતા હોય છે. આ વર્ષે 7 જુલાઈના દિવસે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા યોજવામાં આવશે. અમદાવાદની રથયાત્રા દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે.

આ પણ વાંચોઃ અખાત્રીજે ધરતીપુત્રોનો ઉમંગભેર મુહૂર્ત, સાત ધાન વાવી શુભારંભ કર્યો

ત્યારબાદ ભગવાન જગન્નાથ, ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીના રથની વિધિવત્ પૂજા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે જ નવા રથ બનાવવામાં આવ્યા હતા. ત્યારે આ વર્ષે પણ ભગવાન જગન્નાથ ભાઈ-બહેન સાથે આ રથમાં બેસીને નગરચર્યાએ નીકળશે. ભગવાનના રથ બનાવવામાં વલસાડના સાગના લાકડાંનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જગન્નાથ પુરીના કારીગરોએ જ ભગવાનના ત્રણેય રથને તૈયાર કર્યા છે.