December 17, 2024

Lok Sabha Election LIVE Update: ગુજરાતમાં દિગ્ગજોએ કર્યું મતદાન, વધુ મતદાન કરવાની અપીલ

Lok Sabha Election LIVE Update: દેશભરમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન થશે. 10 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની 93 બેઠક માટે ત્રીજા તબક્કાનું મતદાન થશે. ગુજરાતની પણ 26માંથી 25 બેઠકો પર મતદાન થશે. ત્યારે ગુજરાતમાં દરેક દિગ્ગજોએ મતદાન કર્યું છે. સાથે જ તેમણે લોકોને મતદાન કરવા અપીલ કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કર્યું. પીએમ મોદીએ સવારે 7.45એ મતદાન કર્યું. જ્યારે પીએમ મોદી સાથે અમિત શાહ પણ હાજર રહ્યાં હતા. કેસરી કોટી પહેરીને પીએમ મોદી મતદાન કરવા પહોંચ્યા હતા.

તેમજ આનંદી બહેન પટેલે પણ શીલજ ખાતે મતદાન કર્યું હતું.

તેમજ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નવસારી લોકસભા મતવિસ્તારમાં મતદાન કર્યું. તેમણે કહ્યું છે કે લોકશાહીના પર્વમાં આજે વધુમાં વધુ મતદાન કરવાની હું અપીલ કરું છું. મારી ગુજરાતના લોકોને અપીલ છે કે જે વ્યક્તિએ વર્ષોથી એક પણ રજા લીધા વગર દેશ અને દેશના લોકો માટે રાત દિવસ મહેનત કરી છે. તેવા વ્યક્તિ સાથે દેશના તામામ લોકોએ એક સંકલ્પ લીધો છે દેશમાં મોદીજીનું ત્રીજી વખત શાસન આવશે. દેશના તમામ નાગરિકો રાત દિવસ આ માટે સાથે મળીને ચાલી રહ્યા છે. દેશના લોકોનો 400 પારનો સંકલ્પ છે.

રાજકોટના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ અમરેલીના ઇશ્વરીયા ગામે પરિવાર સાથે પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું. સાથે જ લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. તો પંચમહાલના ઉમેદવાર રાજપાલસિંહે કરોલી ગામે પ્રાથમિક શાળાના બૂથમાં પરિવાર સાથે પહોંચીને મતદાન કર્યું છે. વલસાડ લોકસભાના ઉમેદવાર અનંત પટેલ ઉનાઈ ગ્રામ પંચાયતના મતદાન મથકે પરિવાર સાથે પહોંચીને મતદાન કર્યું છે.

રાજકોટ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ મતદાન કર્યું. અમરેલીની બહાર પરા કન્યા શાળામાં સહપરિવાર પહોંચ્યા હતા.

પોરબંદર લોકસભા કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ મતદાન કર્યું. ધોરાજીની આદર્શ સ્કૂલ મતદાન કેન્દ્ર ઉપર પહોંચ્યા હતા.

શિક્ષણમંત્રી ડૉ કુબેર ડીંડોરે પોતાના વતન ભંડારા ગામે મતદાન કર્યું છે. શિક્ષણમંત્રી ડો કુબેર ડીંડોરએ હાથમાં મોરપીંછ રાખી મતદાન કર્યું છે. લોકોને પણ વહેલા મતદાન કરવા શિક્ષણમંત્રીએ અપીલ કરી છે. સાથે જ બીજેપી 400 પાર સાથે જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.