December 25, 2024

જેટ એરવેઝના ફાઉન્ડર નરેશ ગોયલને મની લોન્ડ્રિંગ કેસમાં મળ્યાં જામીન

Jet Airways: બોમ્બે હાઈકોર્ટે મની લોન્ડરિંગ કેસમાં જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલને તબીબી આધાર પર બે મહિનાના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. નરેશ ગોયલ હાલમાં રિલાયન્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કોર્ટે તેને એક લાખ રૂપિયાની જામીનની રકમ જમા કરાવવા પણ કહ્યું છે. નરેશ ગોયલ અને તેમની પત્ની અનિતા ગોયલ કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે. નરેશ ગોયલે બીમારીના આધારે કોર્ટ પાસે રાહતની માંગ કરી હતી.

આ પણ વાંચો: અમીર હોય કે ગરીબ દેશ ભારતથી મિત્રતા વધારવા ઉત્સુક: એસ જયશંકર

EDએ જામીન અરજીનો વિરોધ કર્યો હતો
સોમવારે તેમને જામીન આપતાં બોમ્બે હાઈકોર્ટે કહ્યું હતું કે, તેમની તબીયતની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ રાહત આપવામાં આવી રહી છે. જો કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આ જામીનનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે તેના બદલામાં તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે એક મહિના સુધી રહેવા દેવા જોઈએ. ફેબ્રુઆરીમાં સ્પેશિયલ કોર્ટે નરેશ ગોયલની જામીન અરજી ફગાવી દેતાં કહ્યું હતું કે તે પોતાની પસંદગીની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી શકે છે.

અનિતા ગોયલની પણ ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી
EDએ સપ્ટેમ્બર 2023માં નરેશ ગોયલની ધરપકડ કરી હતી. તેમના પર કેનરા બેંકમાંથી જેટ એરવેઝને આપવામાં આવેલી 538.62 કરોડ રૂપિયાની લોન ડાયવર્ટ કરવાનો આરોપ છે. EDએ તેમના પર મની લોન્ડરિંગનો આરોપ લગાવ્યો છે. આ પછી નવેમ્બર 2023માં તેની પત્ની અનિતા ગોયલની પણ ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જો કે, તેમની તબિયત અને ઉંમર ખરાબ હોવાને કારણે તેમને સ્પેશિયલ કોર્ટે જામીન આપ્યા હતા. તાજેતરની સુનાવણી દરમિયાન નરેશ ગોયલ કોર્ટની સામે રડવા પણ લાગ્યા હતા. તેમણે કહ્યું હતું કે આવા જીવન કરતાં મૃત્યુ સારું છે.