January 19, 2025

રાજપૂત સંકલન સમિતિની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ – હાલ BJP 10થી વધુ બેઠક ગુમાવી રહી છે

અમદાવાદઃ શહેરમાં રાજપૂત સમાજની સંકલન સમિતિની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડા પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા હતા. તેમણે કહ્યુ હતુ કે, ‘અમારા 4-5 મુદ્દાઓને લઈ વાત કરવાની છે. બીજેપીના લેટરપેડ પર એક પ્રેસ રિલિઝ જાહેર કરવામાં આવી છે. ક્ષત્રિય સમાજને અપીલ કરવામાં આવી છે.’

તેઓ આગળ કહે છે કે, ‘બીજેપી સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાનોને પૂછવા માંગુ છું. રૂપાલાનું નિવેદન, જૂનાગઢના કિરીટ પટેલે વિવાદિત નિવેદન આપ્યું ત્યારે ક્ષત્રિય સમાજના બીજેપીના આગેવાનોએ કોઈ નિવેદન ન આપ્યું એ દુખદાયક છે. પ્રેસ રિલિઝથી કરાયેલી અપીલની અસર ક્ષત્રિય સમાજ પર થવાની નથી. પીએમ ગુજરાત આવે ત્યારે વિરોધ ન કરવો એવું ક્ષત્રિય બીજેપી આગેવાનોએ રજૂઆત કરી હતી. અમે પણ લેટરપેડ ઉપર અપીલ કરી હતી કે, પીએમની સભામાં વિરોધ કરવાનો નથી. પીએમની સભામાં વિરોધ ન કરવા બદલ બીજેપી વતી આ આગેવાનોએ એક આભાર માનતું નિવેદન કર્યું હોત તો પણ અમે કંઈક સમજ્યા હોત.’

આ પણ વાંચોઃ હિંદુ નેતાઓની હત્યાનું કાવતરું ઘડનારા મૌલવીના 10 દિવસના રિમાન્ડ મંજૂર

તેઓ વધુમાં કહે છે કે, ‘બે દિવસ પહેલાં રાજ્ય સરકારના મંત્રી કનુ દેસાઈએ કોળી સમાજનું પણ અપમાન કર્યુ હતું. અમે કનુ દેસાઈના નિવેદનને પણ વખોડી કાઢીએ છીએ. હાલ બીજેપી 10થી વધુ બેઠકો ગુમાવી રહી છે. રૂપાલા ચૂંટણીના એક દિવસ પહેલાં મીડિયા સામે આવીને ચૂંટણી ન લડવાની જાહેરાત કરે તો પણ ક્ષત્રિય સમાજ મૂંઝવણમાં ન રહે. આપણે 7 તારીખે બીજેપી વિરુદ્ધમાં મતદાન કરવાનું છે. રાજકોટમાં લેઉઆ પાટીદાર યુવાનો દ્વારા મતદારોને અપીલ કરતી પત્રિકા વાયરલ કરી છે. આ પત્રિકાથી સમાજ વચ્ચે ઘર્ષણ કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડે તેવું કોઈ લખાણ નથી છતાં ધરપકડ કરવામાં આવી છે. બીજેપીની ભગીની સંસ્થા દ્વારા એક પત્રિકા ફેરવવામાં આવી રહી છે જેમાં રાષ્ટ્રહિત માટે બીજેપીને સમર્થનની વાત કરવામાં આવી છે. અમને અને જનતાને ખબર છે કે, રાષ્ટ્રહિત અને દેશહિત શું છે.’

કારડીયા રાજપૂત સમાજ દ્વારા પીએમ મોદીને સમર્થનની અપીલ પર કરણસિંહ આગળ જણાવે છે કે, ‘તમામ સમાજ અમારી સાથે છે. કારડીયા સમાજના યુવાનોએ અમને રૂબરૂ મળી અને ફોન કરીને કહ્યું છે કે, અમે તમારી સાથે છીએ. કેટલાક આગેવાનોને ડરાવી ધમકાવીને આવું જાહેર કરાવ્યું હોઈ શકે. હજુ આવી ઘણી અપીલો છાપાઓમાં કરવામાં આવશે. અમે કારડીયા રાજપૂત સમાજના આગેવાનો સાથે પણ અગાઉ બેઠક કરી હતી અને એ લોકોએ અમને સમર્થનનું આશ્વાસન આપ્યું હતું.’

વજુ વાળાનું ચેપ્ટર પૂરૂં થવાના નિવેદન પર તેઓ કહે છે કે, ‘એ બીજેપીના આગેવાન છે અને ઘણા હોદ્દાઓ ભોગવી ચૂક્યા છે. આ કોઈ પૂરૂં થાય એવું ચેપ્ટર નથી. અમે 25 દિવસ સુધી રાહ જોઈ છે. તમે એક વ્યક્તિને મહત્વ આપવામાં આવ્યું છે જેનું પરિણામ આજે ગુજરાતમાં જોવા મળી રહ્યું છે. મત એ જ શસ્ત્રનો ઉપયોગ કરો અને પૂરેપૂરૂં મતદાન કરો તેવી મતદારોને અપીલ છે. જે રાજવીએ પ્રેસ કરી હતી તે અગાઉથી જ બીજેપીમાં જોડાયેલા છે. જે રાજવીઓનાં નામ પ્રેસમાં લેવાયા હતા તેમાંથી ઘણા રાજવીઓએ જામનગરમાં ખુલ્લેઆમ કહ્યું હતું કે, અમારા નામનો દુરુપયોગ થયો છે. ભાવનગરના રાજવીએ પણ બીજા જ દિવસે કહ્યું હતું કે, અમે સમાજની સાથે છીએ. જે સીટો પર આંદોલનનું પરિણામ આવશે, તે બેઠકો પર અમે રણનીતિ ગોઠવી છે.’