હૂતી વિદ્રોહીઓનો ભારત આવતા જહાજ પર હુમલો, લાલ સાગરમાં મિસાઇલો છોડી
નવી દિલ્હીઃ યમનના હુતી વિદ્રોહીઓએ શનિવારે ભારત આવી રહેલા એક જહાજ પર મિસાઈલથી હુમલો કર્યો હતો. લાલ સમુદ્રમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. હુતી વિદ્રોહીઓએ એક નિવેદન જાહેર કરીને આ જાણકારી આપી છે. હુતી વિદ્રોહીઓ છેલ્લા ઘણા મહિનાઓથી લાલ સમુદ્ર અને એડનની ખાડીમાંથી પસાર થતા જહાજો પર હુમલો કરી રહ્યા છે. બ્રિટનની મેરીટાઇમ સિક્યુરિટી ફર્મ એમ્બ્રેએ કહ્યું છે કે, હુમલાના કારણે જહાજને નુકસાન થયું છે.
તેમણે કહ્યું કે, જે જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો તે પનામા દ્વારા ફ્લેગ કરવામાં આવ્યું હતું. પરંતુ જહાજ બ્રિટિશ કંપનીની માલિકીનું હતું. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ જહાજ તાજેતરમાં વેચવામાં આવ્યું હતું અને હવે આ જહાજ સેશેલ્સની એક કંપનીની માલિકીનું છે. જે જહાજ પર હુમલો કરવામાં આવ્યો તે ઓઈલ ટેન્કર છે અને તે રશિયાના પ્રિમોર્સ્કથી ભારતના વાડીનાર આવી રહ્યું હતું.
આ પણ વાંચોઃ હોટેલમાં 70થી વધુ પાકિસ્તાની રોકાયા હોવાની સૂચનાથી હડકંપ, પેરામિલિટ્રી ફોર્સ તૈનાત
ઈરાન સમર્થિત હુતી બળવાખોરો ઈઝરાયેૃલ-હમાસ યુદ્ધ બાદ લાલ સમુદ્ર અને એડનના અખાતમાંથી પસાર થતા જહાજોને નિશાન બનાવી રહ્યા છે. પેલેસ્ટાઈનના સમર્થનમાં હુતી વિદ્રોહીઓ આવું કરી રહ્યા છે અને પહેલા હુતી વિદ્રોહીઓનું નિશાન માત્ર ઈઝરાયલના જહાજ હતા. પરંતુ છેલ્લા ઘણા દિવસોથી અન્ય દેશોના જહાજોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ કારણે ઘણી શિપિંગ કંપનીઓ તેમના જહાજોને દક્ષિણ આફ્રિકામાં લાંબા રૂટ દ્વારા મોકલી રહી છે. તેના કારણે માલસામાનના પરિવહન ખર્ચમાં વધારો થયો છે અને વૈશ્વિક સ્તરે મોંઘવારી પણ વધી છે.
આંતરરાષ્ટ્રીય શિપિંગ રૂટ પરથી પસાર થતા જહાજોને નિશાન બનાવવા માટે અમેરિકાએ હુતી વિદ્રોહીઓના સ્થાનો પર હુમલો કર્યો હતો. જો કે, તેમ છતાં હુતી વિદ્રોહીઓના હુમલાઓ અટકી રહ્યા નથી. ભારતે અરબી સમુદ્ર અને એડનની ખાડીમાં પણ નૌકાદળ તૈનાત કરી છે અને યુદ્ધ જહાજો સાથે દેખરેખ પણ વધારી છે.