અમદાવાદમાં એક રાતમાં દાણીલીમડા અને નવરંગપુરામાં હત્યા…!

મિહિર સોની, અમદાવાદ: શહેરમાં એક જ રાતમાં બે હત્યાની ઘટનાઓ સામે આવી છે. જેમાં પૂર્વ વિસ્તારમાં આવતા દાણીલીમડામાં અગાઉના ઝઘડાની અદાવત રાખીને યુવકની હત્યા કરવામાં આવી છે, જ્યારે પશ્ચિમ અમદાવાદમાં દુકાનદાર સાથે ઘર્ષણ કરનાર સગીર યુવકને સમજાવવા જતા રીક્ષા ચાલકની સગીરે હત્યા કરી છે. મહત્વનું છે કે બંને ગુનામાં આરોપીઓને ઝડપી કાયદેસરના પગલાં લેવાઈ રહ્યા છે.
અમદાવાદમાં ગણતરીના કલાકોમાં જ એક જ રાતમાં હત્યાના બે બનાવો બન્યા હતા. જેમાં પહેલી હત્યા નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા આશ્રમ રોડ ઉપર આવેલા શીતલ આઈસ્ક્રીમ પાર્લર પાસે બન્યો હતો. રાતે 9:30 વાગે આસપાસ જીતુ ઉર્ફે જીતેન્દ્ર દંતાણી નામનો રીક્ષા ચાલક રીક્ષા લઈને ઊભો હતો. તે સમયે આઈસ્ક્રીમ પાર્લર પર એક સગીર યુવક પોતાના નાના ભાઈ સાથે આવ્યો હતો અને દુકાનમાં હાજર કર્મી સાથે બોલાચાલી કરી રહ્યો હતો. તે દરમિયાન જીતુ દંતાણીએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે સગીરે તેઓની સાથે ઝપાઝપી કરી હતી અને પોતાની પાસે રહેલી છરી મારી હતી. જેમાં યુવકનું મોત નિપજ્યું હતું. જે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ઘટનાની જાણ થતા નવરંગપુરા પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને સીસીટીવી તેમજ અન્ય બાબતો તપાસ કરી અંતે સગીર વિરુદ્ધ પગલા લીધા છે.
બીજો બનાવ દાણીલીમડા
નવરંગપુરાની સાથે જ બીજો એક બનાવ શહેરના દાણીલીમડા વિસ્તારમાં બિસમિલ્લાહ હોટલની પાછળ બન્યો હતો. જેમાં જુબેર કુરેશી નામના 31 વર્ષીય યુવકની સૈયદ નામના આરોપીએ તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી હતી. મહત્વનું છે કે બંને વચ્ચે છેલ્લા પાંચ મહિનાથી બોલાચાલી અને અદાવત ચાલતી હતી. જેના ભાગરૂપે ગઈકાલે ઝુબેરની એકલતાનો લાભ લઈ યુસુફે તેના પર હુમલો કર્યો હતો. ગળાના અને છાતીના ભાગે જીવલેણ ઇજાઓ પહોંચાડી તેની હત્યા કરી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર યુસુફની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. મહત્વનું છે કે નવરંગપુરામાં થયેલી હત્યામાં નિર્દોષનો જીવ ગયો છે. જે માત્ર ઝઘડામાં સમાધાન કરાવવા વચ્ચે પડ્યો હતો. તો બીજી તરફ દાણીલીમડામાં 10 ગુનાના સંડોવાયેલ આરોપીની હત્યા થઈ છે. જેથી પોલીસે બંને ગુનામાં આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા એકઠા કરી વધુ પ્રક્રિયા હાથ ધરી છે.