December 21, 2024

IPL 2024: રાજસ્થાન સામેની હારનું ઠીકરું હાર્દિક પંડ્યાએ કોના પર ફોડ્યું?

IPL 2024, MI vs RR: રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સને તેના જ હોમ ગ્રાઉન્ડ પર હરાવ્યા બાદ ઘરઆંગણે પણ માત આપી છે. રાજસ્થાનની આ 7મી જીત છે, હવે તેને પ્લેઓફમાં પહોંચવા માટે માત્ર એક જ જીતની જરૂર છે. આ સાથે જ હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સની મુસીબતો વધી રહી છે. સોમવારે રાત્રે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં 9 વિકેટથી હાર્યા બાદ મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાનું દર્દ ફરી એકવાર છલકાયું છે.

હાર બાદ પંડ્યાએ શું કહ્યું?
રાજસ્થાન રોયલ્સ સામેની હારથી નિરાશ થયેલા હાર્દિક પંડ્યાએ કહ્યું કે અમે શરૂઆતમાં જ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. જોકે તિલક વર્મા અને નેહલે શાનદાર બેટિંગ કરી હતી. અમે થોડી વિકેટો વહેલી ગુમાવી દીધી ત્યાંથી મને લાગતું નહોતું કે અમે 180 સુધી પણ પહોંચી શકીશું. અમે અમારી ઇનિંગ્સનો અંત સારી રીતે કર્યો ન હતો અને 10-15 રન ઓછા બનાવ્યા હતા.

આ પણ વાંચો: હરભજનસિંહની મોટી વાત: રોહિત શર્મા બાદ આ ખેલાડીને બનાવો ભારતીય ટી-20 ટીમનો કેપ્ટન

‘અમારે સ્ટમ્પની અંદર બોલિંગ કરવાની હતી’
હાર્દિક પંડ્યાએ કહ્યું કે અમારે સ્ટમ્પની અંદર બોલિંગ કરવાની હતી. અમે પાવરપ્લેની શરૂઆતમાં વધુ પહોળાઈ આપી દીધી હતી. મને નથી લાગતું કે તે અમારો શ્રેષ્ઠ દિવસ હતો. એકંદરે અમે મેદાન પર અમારો જમણો પગ મૂક્યો ન હતો અને તેઓએ અમને હરાવ્યા હતા. દરેક ખેલાડી સારો છે અને તેની ભૂમિકા જાણે છે. ચાલો આપણે કરેલી ભૂલોને સુધારીએ અને ખાતરી કરીએ કે આપણે તે ફરીથી ન કરીએ.

મેચ પર એક નજર
જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલી મેચ વિશે વાત કરીએ તો મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી અને 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 179 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સે 8 બોલ બાકી રહેતા એક વિકેટના નુકસાને 183 રન બનાવીને જીત મેળવી હતી. રાજસ્થાન તરફથી યશસ્વી જયસ્વાલે સદીની ઇનિંગ રમી હતી.