December 19, 2024

અનંતના લગ્ન પહેલાં શિરડી દર્શન કરવા પહોંચ્યા નીતા અંબાણી

અમદાવાદ: દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પત્ની અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી શિરડી સાંઈના દરબારમાં પહોંચ્યા હતા. નીતા અંબાણીએ રાધિકા મર્ચન્ટ સાથે તેમના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન પહેલા સાંઈ દરબારમાં પૂજા અર્ચના કરી હતી, જ્યારે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સની સફળતા માટે પ્રાર્થના પણ કરી હતી.

નીતા અંબાણીએ શિરડી સાંઈની મુલાકાત લીધી. આ પહેલા અનંત અંબાણીએ મધ્યપ્રદેશના દતિયા સ્થિત પિતાંબરા મા પીઠની પણ મુલાકાત લીધી હતી. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન આ વર્ષે જુલાઈમાં થવાના છે.

21 દીવા પ્રગટાવીને પ્રાર્થના
નીતા અંબાણીએ શિરડી સાંઈ મંદિરમાં 21 દીવા પ્રગટાવીને પ્રાર્થના કરી હતી. રાત્રે દર્શન કર્યા બાદ તે આજે સવારે ફરી મંદિર પહોંચ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે નીતા અંબાણીએ પોતાની IPL ટીમ મુંબઈ ઈન્ડિયન્સની સફળતા માટે મંદિરમાં પ્રાર્થના પણ કરી છે. વર્તમાન IPL ટૂર્નામેન્ટમાં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. તે ટીમ ટેલીમાં 8મા નંબર પર છે. મુંબઈ ઈન્ડિયન્સને હાલમાં 8માંથી 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

આ પણ વાંચો: ચૈત્રી પૂનમે ધજા-ગરબી લઈને અંબાજીમાં માઇભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

નીતા અંબાણી શ્રી કૃષ્ણના ભક્ત
નીતા અંબાણી શિરડી સાંઈ તેમજ ભગવાન કૃષ્ણના પ્રખર ભક્ત છે. મુકેશ અંબાણીનો આખો પરિવાર અવારનવાર રાજસ્થાનમાં શ્રીનાથજીની પૂજા કરવા જાય છે. અંબાણી પરિવારનું ઘર એન્ટિલિયામાં શ્રી કૃષ્ણનું એક મોટું મંદિર પણ છે.

તાજેતરમાં નીતા અંબાણીએ ગુજરાતના જામનગરમાં 14 મંદિરો બનાવ્યા છે. અંબાણી પરિવારે આ 14 મંદિરો જામનગરના મોતીકાવાડીમાં બનાવ્યા છે. આ મંદિરો એક જ સંકુલમાં બનેલા છે. આ મંદિરોમાં કોતરવામાં આવેલા સ્તંભો, ફ્રેસ્કો શૈલીના ચિત્રો, પ્રાચીન સ્થાપત્યથી પ્રેરિત ડિઝાઇન અને દેવી-દેવતાઓના શિલ્પો છે. આ મંદિરોનું નિર્માણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેરેમની પહેલા કરવામાં આવ્યું છે.