December 19, 2024

શુગર કોસ્મેટિક્સના CEO વિનીતા સિંહ બન્યા ફેક ન્યૂઝનો શિકાર

Vineeta Singh: શુગર કોસ્મેટિક્સના સીઈઓ અને શાર્ક ટેન્ક ઈન્ડિયાના જજ વિનીતા સિંહ હાલ કેટલાક સમયથી એક સમસ્યાથી હેરાન છે. છેલ્લા કેટલાક સમયથી તેમની મોત અને ધરપકડની અફવાઓ સતત સોશિયલ મીડિયા પર ચાલી રહી છે. આ અફવાઓના કારણે વિનીતા સિંહ હેરાન થઈ ગઈ છે. તમણે સોશિયલ મીડિયા પર આવીને લોકો પાસે મદદ માંગી છે.

અનેક જગ્યાએ ફરિયાદ કરવા છતાં મદદ મળતી નથી
વિનીતા સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે મારા મૃત્યુ અથવા ધરપકડના કોઈપણ સમાચાર સાચા નથી. હું કદાચ પેઇડ પીઆરનો ભોગ બની છું. કેટલાક લોકો લગભગ 5 અઠવાડિયાથી જાણીજોઈને મારી વિરુદ્ધ આવી અફવાઓ ફેલાવી રહ્યા છે. મે તેમની સામે મેટાને ફરિયાદ પણ કરી છે. આ સિવાય મુંબઈ સાયબર પોલીસને પણ ફરિયાદ મોકલવામાં આવી છે, પરંતુ આ અફવાઓ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. આ સમગ્ર મામલામાં સૌથી દુઃખદની વાત એ છે કે લોકો ડરી જાય છે અને મારી માતાને ફોન કરે છે. વિનિતા સિંહે આ ફેક ન્યૂઝ સાથે સંબંધિત લેખો અને પોસ્ટના સ્ક્રીનશોટ પણ પોસ્ટ કર્યા છે.

સોશિયલ મીડિયા પોસ્ટ વાઈરલ થઈ
આ પોસ્ટ પર મુંબઈ પોલીસે પ્રતિક્રિયા આપી છે. પોલીસે તેમની પાસે તમામ વિગતો માંગી છે. આ અંગે વિનીતા સિંહે તેમનો આભાર પણ માન્યો છે. આ પોસ્ટને થોડા જ સમયમાં લાખો વ્યૂઝ મળ્યા હતા. આ પોસ્ટ પર ઘણી કોમેન્ટ્સ પણ આવી છે. એક યુઝરે લખ્યું કે, તેમણે તાજેતરમાં આવા જ સમાચાર જોયા છે. તેમાં લખ્યું હતું કે વિનીતા સિંહ નાદાર થઈ ગયા છે. જોકે, બાદમાં ખબર પડી કે આ સમાચાર ખોટા છે. તેના પર વિનીતાએ લખ્યું કે ફેસબુક પર આવી આખી સીરીઝ ચાલી રહી છે, જે ફેક છે. અન્ય એક યુઝરે લખ્યું કે આ એકદમ ડરામણું છે અને તેનાથી પણ ડરામણી વાત એ છે કે કોઈ મદદ માટે આગળ નથી આવી રહ્યું.