January 7, 2025

નવસારી લોકસભા બેઠક પર આખા દેશની નજર કેમ? જાણો A to Z માહિતી

રાજકીય સમીકરણો અને ઈતિહાસની દ્રષ્ટિએ નવસારી વર્ષોથી ભાજપનો ગઢ રહ્યો છે.

જીગર નાયક, નવસારી:

Navsari Lok Sabha Seat: ભારત લોકશાહીની લોકસભા ચૂંટણી જંગનો શંખ ગુજી ઉઠયો છે. રાજયમાં કુલ 26 લોકસભા છે ત્યારે નવસારી-25 લોકસભા રાજયમાં મહત્વની ગણવામાં આવે છે. ભાજપા દ્વારા 2009થી નવસારી બેઠક પર જીતતા આવેલા સી.આર. પાટીલને રિપીટ કરવામાં આવ્યા છે જેને લઈને રાજય સાથે દેશની નજર છે.

નવસારી ઐતિહાસિક ગાયકવાડી નગરી સાથે સંસ્કારી-ઘર્મપ્રેમી નગરી તેમજ આઝાદહિન્દ ચળવળના દાદાભાઈ નવરોઝ્જી તેમજ ભારતના લોખંડ ઉદ્યોગના ભીષ્મપિતા જમશેદજી ટાટાની નગરી તરીકે પણ વિખ્યાત છે. નવસારી-25 લોકસભા બેઠકના સીમાંકન અને સમાવિષ્ટ વિધાનસભા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકાઓની વાત કરીએ તો લોકસભા સીટનું નામ માત્ર નવસારી છે પરંતુ લોકસભા સીટ પર સુરતીઓનો દબદબો છે. 1997માં વલસાડ જિલ્લામાંથી નવસારી જિલ્લો અલગ જીલ્લો તરીકે અસ્તિત્વમાં આવ્યો હતો, તે સમયે લોકસભાની સુરત બેઠકમાં નવસારીનો સમાવેશ હતો. 2004 માં ભાજપાના સ્વ. કાશીરામ રાણા (માજી કેન્દ્રય કપડા મંત્રી) 2 લાખ 50 હજાર વધુ મતોથી વિજય મેળવ્યો હતો. 2009 માં પ્રથમ વખત નવસારી લોકસભાની બેઠક મળી હતી. જેમાં ભાજપાના ઉમેદવાર સી આર પાટીલે જીત પ્રાપ્ત કરી હતી. 2019 લોકસભામાં ભાજપના ઉમેદવાર સી. આર.પાટીલે કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલને 6,89,668ના મતોથી હરાવ્યા હતા. ખાસ કરીને રાજકીય સમીકરણો અને ઈતિહાસની તરફ દ્રષ્ટી કરે તો વર્ષોથી ભાજપનો ગઢ મનાતો રહ્યો છે.

નવસારી લોકસભા બેઠકમાં સુરત જિલ્લાના લિંબાયત, ઉધના, મજુરા અને ચોર્યાસી વિધાનસભા વિસ્તાર અને નવસારી જિલ્લાના જલાલપોર, નવસારી અને ગણદેવી મળીને કુલ 7 વિધાનસભા વિસ્તાર સાથે નવસારી લોકસભા બેઠકનું નિર્માણ કરાયું હતું. આ વિસ્તારમાં 22 રાજ્યના લોકો મતદાર હોવાથી નવસારી બેઠકને મિનિ ભારત કહેવામાં આવે છે. અહીં સુરતના 60 અને નવસારીના 40 ટકા મતદારોનો સમાવેશ થાય છે. કોળી સમાજના મતદારોની સંખ્યા અહીં વધુ છે. જે બાદ મહારાષ્ટ્રીયન મતદારો છે. આ બેઠક જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી જ ભાજપનો દબદબો રહ્યો છે. નવસારી સાંસદીય મત વિસ્તારમાં લીંબાયતમાંથી 3,03,3994, ઉધનામાંથી 2,63,195, મજુરામાંથી 2,78,550, ચોર્યાસીમાંથી 2,37,184, જલાલપોરમાંથી 2,37,184, નવસારીમાંથી 2,51,615 અને ગણદેવી વિધાનસભામાંથી 2,92,805 મળી કુલ 21,98,019 મતદારો ઉમેદવારનું ભાવિ નક્કી કરશે. સૌથી વધુ મતદારો ચોર્યાસી વિધાનસભા વિસ્તારમાથી હોય તમામ પક્ષની નજર આ વિસ્તાર પર રહશે.

આ પણ વાંચો: કચ્છ લોકસભા બેઠકઃ ભાજપે વિનોદ ચાવડાને તો કોંગ્રેસે નીતિશ લાલનને મેદાને ઉતાર્યા

નવસારી લોકસભા સીટ પર ભાજપે ચોથી વખત સીઆર પાટીલને રીપીટ કર્યા છે સાંસદ સીઆર પાટીલે નવસારી સહિત રાજ્યની તમામ 26 બેઠકો પર પાંચ લાખથી વધુ મતોથી જીતવાની રણનીતિ બનાવી છે. જેમાં નવસારી સાત લાખથી વધુ મતોથી જીતાય એવો નવસારી લોકસભાના કાર્યકર્તાઓનો લક્ષ્યાંક છે. જ્યારે કોંગ્રેસ તરફે નૈષદ દેસાઈને મેદાને ઉતાર્યા છે ઇનટુક સાથે જોડાયેલા નૈષદ દેસાઈ સીઆર પાટીલની સરખામણીમાં ઓછો જાણીતો ચહેરો છે. આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા ઉમેદવાર ની જાહેરાત કરવામાં વિલમ કરવામાં આવતા ઉમેદવાર પાસે સમગ્ર લોકસભા વિસ્તારમાં પ્રચાર માટેનો સમય ઓછો રહ્યો છે. આ બેઠક પર કોંગ્રેસની હારના કારણોની વાત કરવામાં આવે તો કોંગ્રેસ પક્ષ સંગઠન માં નબળો છે કોંગ્રેસ પાસે દિગ્ગજ કાર્યકરો છે પણ એ મેદાનમાં નથી તેઓ પ્રજાના પ્રશ્નો છે પણ એ પ્રશ્નોને વાચા આપવા માટે એકત્ર થતા નથી વિધાનસભાની ચૂંટણી હારી ગયેલા કોંગ્રેસના નેતા પક્ષને અસ્તિત્વ જાળવવા પણ સક્ષમ નથી.

નવસારી લોકસભામા પોતાના વિસ્તારની સમસ્યાઓને વાચા આપવાની કામગીરી તરફ એક નજર કરી એ તો લોકસભાના કા્ર્યકાળ દરમ્યાન સી આર પાટીલે 300થી વધુ પ્રશ્નો પુછ્યા હતા. જેમા સુરતની ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝ, ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝ, મોંઘવારી, નેચરલ ગેસ, હવાઈ મથક, રસ્તા અને નેશનલ હાઈવે, પેટ્રોલિયમ પેદાશો, સુગર ઊધોગન, જળવાયુ પરિવર્તન, પર્યાવરણ, ફોરેસ્ટ જેવા પ્રશ્નોને લગતા પ્રશ્નો પુછ્યા હતા. જેમા સિલ્ક સીટી અને રાજ્યના ઈકોનોમીક કેપીટલ ગણાતા સુરતના વિકાસ સાથે નવસારી લોકસભા વિસ્તારમાં રોજગારી, મેડીકલ કોલેજ સહીત વિકાસના કામો સાથે સરકારની લોક કલ્યાણ યોજનાઓનો લાભાર્થીઓને વધુ લાભ અપાવી પાર્ટીને મજબુત કરવાની કામગીરી સફળતા પુર્વક પાર પાડી છે. સીઆર પાટીલ પોલીસ કોન્સ્ટેબલમાંથી રાજકારણી બનેલા નેતા સાથે અનેક પહેલ કરનારા લોકપ્રિય સાંસદ છે. 2009 માં સીઆર પાટીલે કોંગ્રેસના ધનસુખ રાજપૂતને 1.35 લાખ મતે હરાવ્યા હતા. 2014માં સીઆર પાટીલે કોંગ્રેસનાં મકસુદ મિર્ઝાને સાડા પાંચ લાખ કરતાં વધારે મતોની સરસાઈથી હરાવ્યા છે. 2019 લોકસભામાં સીઆર પાટીલે કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલને 6,89,668ના મતોથી હરાવ્યા છે. 2019માં સૌથી વધારે સરસાઈ સીઆર પાટીલને મળી હતી. પોતાની ઓફિસમાં આઈ.એસ.ઓ. લેનારા દેશના પ્રથમ સાંસદ છે. પાટીલે દત્તક લીધેલા ચીખલી ગામને દેશનું પ્રથમ આદર્શ ગામ બનાવ્યું હતું.

આ પણ વાંચો: કચ્છમાંથી મળ્યા 5 કરોડ વર્ષ જૂના સાપના અવશેષ, 19 વર્ષે વૈજ્ઞાનિકોએ રહસ્ય ખોલ્યું

નવસારીએ બાગાયતી પાકોનો વિસ્તાર તરીકે વિશ્વ ફલક પર નામના મેળવે છે. નવસારીના ચીકુ કેરી અને પૌવા ઉદ્યોગ અને હીરા ઉદ્યોગ વિશ્વપ્રસિદ્ધ છે. બાગાયતી પાકોના વિસ્તાર વધુ હોવાથી સહકારી મંડળીઓનું વિકાસમાં મોટું યોગદાન છે. નવસારીને આર્થિક રીતે પગભર કરવા માટે સી આર પાટીલે 1100 એકડ વિસ્તારમાં સ્થપાવા જઈ રહેલો પીએમ મિત્રા ટેક્સ્ટાઇલ પાર્કને નવસારી ખાતે લાવવા માટે સફળ રહ્યા છે. સવજીભાઈ ધોળકિયાની ગોલડી સોલાર નામની કંપનીને પણ નવસારીમાં લાવી રોજગારની નવી તકો ઉભી કરવામાં આવી છે તો બીજી તરફ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જમીન સંપાદનમાં ખેડૂતોને મોટું વળતર ચૂકવવા માટેના તેમના પ્રયાસો સફળ રહ્યા છે. પરંતુ લોકસભા વિસ્તારની 10 મોટી સમસ્યાઓ આવેલ છે. જેમાં નવસારીમાં રોજગારીનો સૌથી મોટો પ્રશ્ન છે. છેલ્લા દસ વર્ષમાં 50 જેટલી કંપની સુરત માઈગ્રેટ થઈ છે. નવસારી શહેર સહીત જીલ્લામાં સ્વચ્છ પીવા લાયક પાણીની સમસ્યા યથાવત છે. નવસારના ગણદેવી તાલુકામાં દરિયાઈ બંદર ધોલાઈનો વિકાસ થઈ શક્યો નથી. ઐતિહાસિક દાંડી અને ઉભરાટ બીચને પ્રવાસન તરીકે વિકસાવવાના કોઈ પ્રયાસ થઈ શક્યા નથી. જિલ્લાની મુખ્ય સમસ્યા રખડતા ઢોર સાથે નવા પાંજરાપોળનું નિર્માણ પણ કરવામાં આવ્યું નથી. નવસારી રેલવે સ્ટેશનને દિલ્હીની વળી કચેરીમાં હજુ પણ જિલ્લા તરીકે સ્થાન પ્રાપ્ત થયું નથી. ડિફેન્સ ક્ષેત્રે જવા માંગતા યુવાને ફિઝિકલ ટ્રેનિંગ માટે સત્સંગ મેદાન નથી યુવાનો રોડ પર દોડે છે અને સાંસદને રજૂઆત કરવા નવસારી જિલ્લા સંસદીય વિસ્તારમાં કોઈ ઓફિસ નથી અરજદારોને સુરત જવું પડે છે. જ્યારે આ બેઠક પર કોંગ્રેસ પક્ષ સંગઠનમાં નબળો છે. કોંગ્રેસ પાસે દિગ્ગજ કાર્યકરો છે પણ એ મેદાનમાં નથી, પ્રજાના પ્રશ્નો છે પણ એ પ્રશ્નોને વાચા આપવા માટે એકત્ર થતા નથી. આમ વિધાનસભાની ચૂંટણી હારી ગયેલા કોંગ્રેસના નેતા પક્ષને અસ્તિત્વ જાળવવા પણ સક્ષમ નથી.

સમગ્ર નવસારી લોકસભાની વાત કરીએ તો ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે. દેશની તમામ ભાષાઓ અને બોલીઓ બોલતા મતદારો આ મતદાન ક્ષેત્રમે વસે છે. સૌથી વધુ કોળી સમાજ અને મરાઠી સમાજના પ્રભાવ વાળી બેઠક છે. 15 વર્ષ સફળતાપૂર્વક પુરા કરનાર ભાજપાનો હાથ આમ તો મજબુત છે. સમગ્ર લોકસભા વિસ્તારમાં આવતી વિધાનસભા બેઠકો હોય કે પછી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા પર ભાજપાનો ભગવો લહેરાય રહ્યો છે. જ્યારે નવસારી લોકસભા મતવિસ્તારમાં મોટી સંખ્યામાં ભાજપા કાર્યકરો ઘરે ઘરે પોહાંચી રાષ્ટ્રીય મુદાઓ સાથે મોદી સરકારની કલ્યાણ કારી યોજના અને વિકાસના કામોની વાતો કરી ચૂંટણી પ્રચારમાં જોતરાયા છે. કોંગ્રેસ જનતા માટે ફ્રી વીજળી, યુવાઓને રોજગાર, ભષ્ટાચારો સાથે નવસારીની અનેક સમસ્યાઓના મુદાઓ સાથે ચુંટણી પ્રચારમાં કમર કસી રહી છે. આમ નવસારી લોકસભા ચૂંટણીઓમાં રાજકીય પાર્ટીઓએ સંમેલનો તેમજ પ્રચાર અભિયાન ગતિશીલ બનાવ્યું છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાટાની ટક્કર થશે કે પછી વન સાઈડ ગેમ થશે એ મતદારોના મતદાન પર નિર્ભર છે.