December 23, 2024

સુરતમાં પોલીસ કમિશનર બદલાતા જ કડક કાર્યવાહી, 17 આરોપી સામે પાસા

Surat police commissioner anupamsingh gehlot arrested 17 accused under pasa

અમિત રુપાપરા, સુરતઃ શહેર પોલીસ કમિશનર તરીકે નિયુક્તિ થયાની સાથે જ અનુપમસિંહ ગહેલોતે ગુનેગારો સામે લાલ આંખ કરી છે. સુરત શહેરમાં બળજબરીથી નાણા કઢાવી લેવા, વાહન ચોરી, મોબાઈલ ચોરી, ઘરફોળ, મારામારી, બળાત્કાર, છેડતી, પ્રોહિબિશન અને પોક્સો સહિતના ગુનાઓમાં પકડાયેલા 17 આરોપીઓ વિરુદ્ધ સુરત પોલીસ કમિશનર દ્વારા પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. તમામને રાજ્યની અલગ અલગ જેલમાં મોકલવામાં આવ્યા. આ ઉપરાંત 25 આરોપીઓ સામે તડીપારની કાર્યવાહી કરવામાં આવી.

અનુપમસિંહ ગહેલોતે સુરત પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ લીધા બાદ સુરત શહેરમાં વાહનચોરી, મોબાઈલ ચોરી, મારામારી, બળાત્કાર, પોક્સો, છેડતી અને પ્રોહિબિશન જેવા ગુનાઓમાં ઝડપાયેલા આરોપીઓ સામે લાલ આંખ કરી છે. આવા ગુનાઓમાં 17 જેટલા આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી કરી તેમને અલગ અલગ જેલમાં મોકલવામાં આવ્યા છે. તેમજ 25 આરોપી સામે તડીપાર કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી છે. તો આગામી સમયમાં પણ આવા ઈસમો સામે આ જ પ્રકારની કડક કાર્યવાહી કરવા સુધીની તૈયારી સુરત પોલીસે દર્શાવી છે.

17 આરોપીમાં ભયજનક કેટેગરીમાં આવતા અંકિત ત્યાગી, મનોજ ચૌહાણ, સુરેશ ઉર્ફે સૂર્યો સાટિયા, અજય કુમાર ઉર્ફે અજજુ સરોજ, આશિષ નિષાદ લક્ષ્મણ ઉર્ફે શ્રીરામ કોરી, અશ્વિન ઉર્ફે આઈલી બારૈયા, મુબારક પટેલ, જાવીદ શાહ, જયેશ સૂર્યવંશી, શાહરુખ ઉર્ફે મસો સૈયદ, અને નગારામ ઉર્ફે નરેશ પરમારનો સમાવેશ થાય છે. તો બુટલેગર કેટેગરીમાં આવતા પુનિત ખંડાગળે, સુરેમા ઉર્ફે ઉર્મિલા પટેલ અને નંદરામ ઉર્ફે નંદલાલ જાટનો સમાવેશ થાય છે. સાથે જ જાતીય સતામણીની કેટેગરીમાં આવતા ભલ્લા ઉર્ફે વિજય ચૌહાણ અને નદીમ ઉર્ફે ટલ્લી શેખનો સમાવેશ થાય છે. આમ આ 17 આરોપીઓ સામે સુરત પોલીસ કમિશનર દ્વારા પાછા હેઠળ કાર્યવાહી કરી તમામને અલગ અલગ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.