December 23, 2024

પૂનમ ધિલ્લોને લોન્ચ કરી હતી પહેલી વેનિટી વેન, આજે કરે છે કરોડોની કમાણી

અમદાવાદ: પૂનમ ધિલ્લોનનો આજે 62મો જન્મદિવસ છે. 80ના દાયકાની પૂનમે કરિયરની શરૂઆત કરી હતી. પૂનમ 1977માં માત્ર 16 વર્ષની ઉંમરે મિસ ઈન્ડિયા બની અને યશ ચોપડાએ તેમને ફિલ્મમાં લોન્ચ કરી હતી. પૂનમ ધિલ્લોને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 4 દશકથી પણ વધારે સમય થઈ ગયો છે, તેમ છતાં તેમનો ચાર્મ આજે પણ એવો જ છે. પૂનમે બોલિવૂડમાં કરિયરની શરૂઆત 1978માં આવેલી ફિલ્મ ત્રિશૂલથી કરી હતી. તે બાદ તેમણે નૂરી, કાલા પથ્થર, સોની માહીવાલ, કર્મા અને તેરી મહેરબાનિયા જેવી યાદગાર ફિલ્મો કરીને એક બાદ એક હિટ ફિલ્મો આપી. જ્યારે ફિલ્મોમાં કામ કરવાની વાત પૂનમની માતાના કાન સુધી પહોચી તો તેમણે તો એક્ટ્રેસ સાથે વાત કરવાનું બંધ કરી દીધું.

માતાએ પાંચ વર્ષ સુધી વાત કરી ન હતી.
પૂનમ ધિલ્લોએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેની માતાને એ સ્વીકારવામાં પાંચ વર્ષ લાગ્યા કે ફિલ્મી કરિયર ખરાબ નથી. તેમાં માન અને પૈસા પણ છે. જોકે બાદમાં માતા રાજી થઈ ગઈ હતી, પરંતુ તેણે પૂનમ ધિલ્લોન સામે ફિલ્મોમાં કામ કરવાને લઈને કેટલીક શરતો મૂકી હતી. જેમ કે આઉટડોર શૂટ હોય તો પેરેન્ટ્સ પણ સાથે જાય. મિત્રો સાથે મોડી રાતની પાર્ટીઓ નહીં કરે. જો 10 વાગ્યે પેક અપ કરવામાં આવે તો પૂનમ ધિલ્લોએ 10.30 સુધીમાં ઘરે આવવું પડશે.

પૂનમ ધિલ્લોએ ભારતમાં વેનિટી વેન લોન્ચ કરી
પૂનમ ધિલ્લોને લગભગ 46 વર્ષ સુધી ફિલ્મોમાં કામ કર્યું. તે લગભગ 90 ફિલ્મોમાં જોવા મળી અને પછી ફિલ્મોથી દૂર રહી. જો કે તે હજુ પણ ફિલ્મો કરી રહી છે, પરંતુ ઘણી ઓછી. પૂનમ ધિલ્લોન હવે બિઝનેસ વુમન પણ છે. તમને જાણીને નવાઈ લાગશે કે પૂનમ ધિલ્લોને ભારતમાં વેનિટી વાન શરૂ કરી હતી.

આ પણ વાંચો: Googleએ ફરી કરી છટણી, ભારતના કામકાજ પર થશે અસર

આ રીતે આવ્યો વિચાર
અભિનેત્રીઓને શૂટિંગ દરમિયાન ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. આરામ કરવો હોય તો પણ છત્રી નીચે ખુલ્લામાં બેસી રહેવું પડતું. કપડાં બદલવા કે વોશરૂમ જવું હોય તો ઝાડીઓ કે બસનો સહારો લેવો પડતો. નહિતર હોટેલ પર પાછા જાઓ અને સ્નાન કરો અને તમારા કપડાં બદલો. માધુરી દીક્ષિતથી લઈને જયા બચ્ચન અને દિવંગત અભિનેત્રી શ્રીદેવી સુધી ઘણા લોકોએ શૂટિંગ દરમિયાન આવતી સમસ્યાઓ વિશે જણાવ્યું હતું. ત્યારબાદ પૂનમ ધિલ્લોને વેનિટી વેનનો કોન્સેપ્ટ વિચાર્યો.

બસ વેનિટી વાનમાં ફેરવાઈ
એ બાદ પૂનમ ધિલ્લોને બસને વેનિટી વેનમાં ફેરવવાનું વિચાર્યું. આ માટે તેણે બસમાં જ એસી લગાવ્યું અને મેક-અપ રૂમ અને ટોયલેટ પણ બનાવડાવ્યું. પૂનમ ધિલ્લોનને વેનિટી વેનનો વિચાર ત્યારે આવ્યો જ્યારે તે વિદેશમાં એક ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. ત્યાં પૂનમ ધિલ્લોને જોયું કે સેટ પર સ્ટાર્સની એક વેન હતી. જેને તેઓ ટ્રેલર વાન અથવા મેકઅપ વાન કહે છે. ત્યારબાદ પૂનમ ધિલ્લોને તેનું નામ વેનિટી રાખ્યું.

ભારતમાં 25 વેનિટી વાન લોન્ચ કરી
પૂનમ ધિલ્લોન વેનિટી વેન લોન્ચ કરનાર પ્રથમ અભિનેત્રી હતી. તે પહેલી અભિનેત્રી હતી જેની પાસે વેનિટી વેન હતી. પૂનમ ધિલ્લોન વર્ષ 1991માં જે.કે. ટ્રાવેલર્સના સહયોગથી ભારતમાં 25 વેનિટી વાન લોન્ચ કરવામાં આવી હતી. જો કે તે સમયે ફિલ્મ ઉદ્યોગના ઘણા લોકો વેનિટી વેનને બિનજરૂરી ખર્ચ ગણતા હતા, પરંતુ ધીમે ધીમે ઘણી સેલિબ્રિટીઓએ વેનિટી વાન રાખવાનું શરૂ કર્યું. હવે દરેક સ્ટાર પાસે કરોડોની કિંમતની વેનિટી વેન છે. આજે પણ ઘણા કલાકારો વેનિટી વેન લોન્ચ કરવા બદલ પૂનમ ધિલ્લોનનો આભાર માને છે.

કરોડોની કિંમતની વેનિટી નામની કંપની
જ્યારે પૂનમ ધિલ્લોને પોતાની મોબાઈલ વેનિટી વેન લોન્ચ કરી, ત્યારે અનિલ કપૂર અને શ્રીદેવી વીઆઈપી ગેસ્ટ તરીકે પહોંચ્યા હતા. આ બાદ તેણે પૂનમ ધિલ્લોન અને તેના વેનિટી સાથે ઘણા પોઝ આપ્યા હતા. પૂનમ ધિલ્લોન હવે મેકઅપ-વાનનો બિઝનેસ ચલાવે છે અને વેનિટી નામની કંપની ધરાવે છે. રિપોર્ટ્સ અનુસાર, પૂનમ ધિલ્લોનની કુલ સંપત્તિ હાલમાં 22 કરોડ રૂપિયા છે.