December 18, 2024

અમરેલી લોકસભા મતવિસ્તારમાં કેટલાં કામ બાકી, લોકોની મુખ્ય સમસ્યાઓ કઈ?

amreli lok sabha constituency work and problems all details

દશરથસિંહ રાઠોડ, અમરેલીઃ લોકસભા ચૂંટણીનો માહોલ જામી ગયો છે. ત્યારે ન્યૂઝ કેપિટલની ટીમે અમરેલી લોકસભા મતવિસ્તારમાં જઈને માહિતી મેળવી હતી કે, ત્યાં કેટલાં કામ થયા છે, કેટલાં કામ બાકી છે અને લોકોની મુખ્ય સમસ્યાઓ કઈ છે.

અમરેલી જિલ્લાની હાલના સાંસદ નારણભાઈ કાછડીયાએ જિલ્લાને બ્રોડગેજ રેલવે અપાવી છે. તેનું કામ ચાલુ છે. તેમજ નાગેશ્રીથી ચોટીલા અને ઉનાથી જેતપુર નેશનલ હાઈવે રોડ મંજૂર કરી અપાવ્યો છે. તેમજ ધારી ખાતે આંબરડી સફારી પાર્ક બનાવવામાં આવ્યું છે, જે અમરેલી જિલ્લામાં વિકાસરૂપી બન્યું છે. તેમજ અમરેલી જિલ્લો ખેતી અને હીરા ઉદ્યોગ પર નિર્ભર જિલ્લો છે. હીરા ઉદ્યોગ ભાંગીને ભૂક્કો થઈ ગયો છે. રત્નકલાકાર બેકાર બન્યો છે. હીરા ઉદ્યોગકારો પણ ટાંકા ટેભા કરીને રગડધગડ માંડ માંડ ગાડું ગબડાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ અમરેલી લોકસભા બેઠકનું ગણિત, જાણો કેટલો વિકાસ થયો

રાજ્યમાં અમરેલી જિલ્લાએ પ્રતિભાશાળી નેતાઓ આપ્યા છે. ગુજરાતના પહેલા મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતાથી લઈને મનુભાઈ કોટડિયા, નવીનચંદ્ર રવાણી, ખોડીદાસબાપા ઠક્કર, પુરુષોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી, નારણ કાછડીયા, બાવકુ ઊંઘાડ, પરેશ ધાનાણી વીરજી ઠુમ્મર ડો.ભરત કાનાબાર જેવા સક્ષમ નેતાઓએ અમરેલી જિલ્લાનું કે તાલુકાનું પ્રતિનિધિત્વ કર્યું છે, પણ હજુ યુવા નેતાઓમાં મહેશ કસવાળા, કૌશિક વેકરીયા, પ્રતાપ દૂધાત, અંબરીશ ડેર જેવી નવી કેડરના નેતાઓ પણ રાજકીય ક્ષેત્રમાં આગળ છે.

આ પણ વાંચોઃ અમરેલી લોકસભા બેઠકનું જ્ઞાતિગત સમીકરણ, જાણો કયો સમાજ નિર્ણાયક

ધંધા રોજગાર માટે અમર ડેરી અને પશુપાલન સિવાય અન્ય કોઈ રોજગારીના વિકલ્પો નથી. તે વાસ્તવિકતા વચ્ચે હજુ આઝાદીના 75 વર્ષ વીત્યા બાદ બ્રોડગેજ લાઈન અમરેલીને નથી મળી. પીપાવાવ પોર્ટ સહિતનું કંપનીઓનું હબ ગણાતા રાજુલા-જાફરાબાદમાં રોજગારી અમરેલી જિલ્લાવાસીઓને કે સ્થાનિકોને જોઈએ તે પ્રમાણમાં નથી મળી. જ્યારે દેશ આધુનિક યુગમાં પરીવર્તન થઈ રહ્યો છે, ટેલિફોનમાંથી મોબાઈલનો યુગ આવી ગયો છે.

લોકોની મુખ્ય સમસ્યાઓ
નેતાઓ તરીકે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હજુ અમરેલી જિલ્લાને ગુજરાતના નકશામાં અલગ સ્થાન આપવામાં નિષ્ફળ નીવડ્યા હોવાનો વસવસો મતદાતાઓ મનોમન કોતરી રહ્યો છે. શિક્ષણ ક્ષેત્રે, રોજગારી ક્ષેત્રે, રોડ રસ્તાઓ અને આરોગ્ય ક્ષેત્રે અમરેલી જિલ્લો હજુ ઘણો જ પાછળ છે. ત્યારે લોકસભાની ચૂંટણીઓ આવતી હોય ત્યારે મત મેળવવા માટે આવતા નેતાઓએ અમરેલી જિલ્લાની જનતા માટે હવે વિચારવું પડશે. તે વાસ્તવિકતાઓ સ્વીકારીને કામ કરવું પડશે. બાકી 75 વર્ષમાં અમરેલી જિલ્લો એક નવી ઊંચાઈ સુધી પહોંચાડવામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ સુવિધાલક્ષી યોજનાઓ સાકાર હવે 2024માં ચૂંટાઈ આવેલા સાંસદ કરી બતાવશે કે કેમ તે પણ મતદાતાઓ નક્કી કરશે. ત્યારે અમરેલીની જનતા દ્વારા આ લોકસભાની ચૂંટણીમાં સક્ષમ નેતૃત્વ ઝંખી રહ્યા છે.