અમરેલી લોકસભા બેઠકનું ગણિત, જાણો કેટલો વિકાસ થયો
દશરથસિંહ રાઠોડ, અમરેલીઃ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે તમામ પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવીને પ્રચારમાં લાગી ગયા છીએ. ત્યારે આ આર્ટિકલમાં વાત કરીશું અમરેલી લોકસભા બેઠક વિશે. તેની તમામ માહિતી, ઇતિહાસ અને કેટલો વિકાસ થયો છે તેની….
વર્ષ 1971માં પ્રથમ લોકસભાની ચૂંટણીમાં ડો. જીવરાજ મહેતા ચૂંટાઈ આવ્યા હતા. ત્યારબાદ 2 વાર કોંગ્રેસમાંથી નવીનચંદ્ર રવાણીએ મેદાન માર્યું હતું. ત્યારબાદ 1989માં જનતા દળમાંથી ખેડૂત નેતા મનુભાઈ કોટડિયા વિજેતા બન્યા હતા. ત્યારપછી વર્ષ 1991થી ભાજપે અમરેલી લોકસભામાં પાયો નાંખ્યો અને સતત ચાર ટર્મ સુધી એટલે કે 2004 સુધી અમરેલીનું પ્રતિનિધિત્વ દિલીપ સંઘાણીએ કર્યું હતું. 2004માં કોંગ્રેસ ફરી બેઠી થઈ અને વીરજી ઠુમ્મર અમરેલીના સાંસદ બન્યા હતા. પછી વર્ષ 2009થી સળંગ ત્રણ ટર્મ સુધી નારણ કાછડીયા ભાજપના સિમ્બોલ પર ચૂંટાઈ આવ્યા હતા. હાલ 2024ની લોકસભા બેઠકમાં ભાજપમાંથી ભરત સુતરીયા મેદાનમાં ઉતર્યા છે, તો સામેપક્ષે કોંગ્રેસે પ્રદેશ મહિલા કોંગ્રેસના અધ્યક્ષ જેનીબેન ઠુમ્મરને મેદાનમાં ઉતાર્યા છે.
અમરેલી જિલ્લા કોંગ્રેસનું સુકાન પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે સાંભળ્યા બાદ કોંગ્રેસમાં થોડી ચેતનાઓ આવી હોય તેવું લાગે છે. બાકી એકમાત્ર આખા બોલા નેતા વીરજી ઠુમ્મર સિવાય કોઈ કોંગી નેતાઓ લાઇમ લાઈટમાં નથી પણ છેલ્લા એક અઠવાડિયાથી પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી મેદાનમાં આવી ગયા છે. માત્ર ચૂંટણી સમયે દેખાતા નેતાઓમાંથી પર રહીને જનતા માટે અવારનવાર અવાજ ઉઠાવતા વીરજી ઠુમ્મરે પણ લોકસભામાં પ્રબળ પ્રચાર પ્રસાર શરુ કરી દીધો છે. જ્યારે ભાજપમાં હજુ નવા સવા ઉમેદવાર જિલ્લા પંચાયતના પ્રમુખ ભરત સુતરીયાને મેદાનમાં ઉતરતા જૂના જોગીઓ નારાજ થયા છે તે વાસ્તવિકતા છે.
ફરવાલાયક સ્થળોનો કેટલો વિકાસ?
અમરેલી જિલ્લામાં ફરવાલાયક સ્થળોની વાત કરીએ તો અમરેલીમાં ધારી આંબરડી પાર્ક બનાવવામાં આવ્યું છે. તેનો વિકાસ પણ ભાજપ સરકાર દ્વારા સારો એવો કરવામાં આવ્યો છે. રાજ્યના વન મંત્રી મુળુભાઈ બેરાએ આંબરડી સફારી પાર્કની મુલાકાત લીધી હતી અને વિવિધ કામોનું લોકાર્પણ કર્યું હતું. આંબરડી પાર્કમાં 5 વરુ વન્ય પ્રાણીને પણ છોડવામાં આવ્યા હતા. તેમજ આંબરડી સફારી પાર્કમાં લોકો માટે ખાણીપીણી તેમજ ફરવા હરવા માટે વિવિધ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. તેમજ અમરેલી જિલ્લામાં ગળધરા ખોડિયાર મંદિર પણ આવેલું છે. ત્યાં પણ સરકાર દ્વારા વિવિધ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ અમરેલીમાં ધારાસભ્ય કૌશિક વેકરીયા દ્વારા રિવરફ્રન્ટ બનાવવા પણ સરકારમાં રજૂઆત કરી હતી અને તેમની પણ મંજૂરી મળી ગઈ હોવાનું સ્થાને સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું.
પ્રથમ લોકસભાની ચૂંટણીમાં ડો.જીવરાજ મહેતા ચૂંટાઈ આવ્યા હતા અને ત્યારથી અમરેલીમાં ડો.જીવરાજ મહેતા સ્ટેચ્યૂ પણ બનાવવામાં આવ્યું હતું. અમરેલી લોકસભા બેઠક અંતર્ગત 16.70 લાખથી વધુ મતદારો છે.
આર્થિક વિકાસ કયા ઉદ્યોગો પર આધારિત?
જિલ્લામાં રોજગારીનો અભાવ છે. અમરેલી જિલ્લો પશુપાલન, ખેતી અને હીરા ઉદ્યોગ પર નિર્ભર જિલ્લો છે અને હીરા ઉઘોગ ભાંગીને ભૂક્કો થઈ ગયો છે. રત્ન કલાકાર બેકાર બન્યો છે અને હીરા ઉદ્યોગકારો પણ ટાંકા ટેભા કરીને રગડધગડ માંડ માંડ ગાડું ગબડાવી રહ્યા છે. રાજ્યમાં અમરેલી જિલ્લાએ પ્રતિભાશાળી નેતાઓ આપ્યા છે. ડો.જીવરાજ મહેતાથી લઈને મનુભાઈ કોટડિયા, નવીનચંદ્ર રવાણી, ખોડીદાસબાપા ઠક્કર, પુરુષોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી, નારણ કાછડીયા, બાવકુ ઊંઘાડ, પરેશ ધાનાણી, વીરજી ઠુમ્મર, ડો.ભરત કાનાબાર જેવા સક્ષમ નેતાઓએ અમરેલી જિલ્લાનું કે તાલુકાનું પ્રતિનિધિત્વ કર્યું છે પણ હજુ યુવા નેતાઓમાં મહેશ કસવાળા, કૌશિક વેકરીયા, પ્રતાપ દૂધાત, અંબરીશ ડેર જેવી નવી કેડરના નેતાઓ પણ રાજકીય ક્ષેત્રમાં આગળ છે. ત્યારે ધંધા અને રોજગારી માટે અમર ડેરી અને પશુપાલન સિવાય અન્ય કોઈ રોજગારીના વિકલ્પો નથી.
અમરેલી જિલ્લો પશુપાલન હીરા ઉદ્યોગ અને ખેતી પર આધારિત છે. અમરેલી જિલ્લામાં ખોડીયાર, છેલ ડેડુદમ અને ઠેબી ડેમ હોવા છતાં ખેડૂતોને સિંચાઈ માટે પાણીનો અભાવ છે. અમરેલી જિલ્લામાં મોટાભાગે ખેતી આધારિત લોકોનો વસવાટ છે. ત્યારે ખેતીમાં પિયતનું પાણી ન મળવાને કારણે અને પૂરતું ઉત્પાદન ન મળવાને કારણે અમરેલી તેમજ ગામડાના લોકો સુરત-અમદાવાદ જેવા શહેરો તરફ પ્રયાણ કરવા મજબૂર બન્યા છે. અમરેલી જિલ્લામાં રોજગારી માટે કોઈ સુવિધા ન હોવાથી સ્થાનિક ખેડૂતો અને પશુપાલકો મોટા શહેરોમાં કામ ધંધા અર્થ નીકળી ગયા છે. અમરેલી જિલ્લામાં સાક્ષરતા દર સ્ત્રીઓનો 58.8 અને પુરુષ 70.4 આમ કુલ 70.30 ટકા સાક્ષરતા દર છે.