September 23, 2024

લોકસભા ચૂંટણી: BJPની 12મી યાદી જાહેર, જાણો કોને ક્યાંથી મળી ટિકીટ

લોકસભા ચૂંટણી: ભાજપે આજે 2024ની લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની 12મી યાદી બહાર પાડી. આ યાદીમાં ચાર રાજ્યોની સાત બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ એવા રાજ્યો છે કે જેના માટે ભાજપે તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પંજાબ માટે મહત્તમ ત્રણ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રની સતારા બેઠક પરથી છત્રપતિ ઉદયનરાજે ભોંસલેને ટિકિટ આપવામાં આવી છે. જેઓ છત્રપતિ શિવાજી મહારાજની 13મી પેઢીમાંથી આવે છે. સતારાથી ભાજપના ઉમેદવાર બનાવાયેલા ઉદયનરાજે ભોસલે લાંબા સમયથી વિસ્તારના રાજકારણમાં એક્ટિવ છે. તેઓ હાલમાં રાજ્યસભાના સભ્ય પણ છે. મહારાષ્ટ્રમાં માત્ર એક સીટ માટે ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ પશ્ચિમ બંગાળની ડાયમંડ હાર્બર સીટ પરથી અભિજીત દાસને ટિકિટ આપવામાં આવી છે. તેમનો મુકાબલો ટીએમસીના મહાસચિવ અભિષેક બેનર્જી સાથે થશે.

ભાજપના ઉમેદવારોની યાદી

પંજાબમાં ભાજપે કોને આપી ટિકિટ?
પંજાબની જે ત્રણ બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે તેમાં ખડૂર સાહિબ, હોશિયારપુર (અનુસૂચિત જાતિ) અને ભટિંડાનો સમાવેશ થાય છે. ભાજપે ખડુર સાહિબથી મનજીત સિંહ મન્ના મિયાવિંદ, હોશિયારપુરથી અનીતા સોમ પ્રકાશ અને ભટિંડાથી પરમપાલ કૌર સિદ્ધુને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. પૂર્વ IAS અધિકારી પરમપાલ કૌર સિદ્ધુ ગયા અઠવાડિયે જ ભાજપમાં જોડાયા હતા. તેમણે પંજાબ સ્ટેટ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ભાજપે યુપીમાં 73 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે
ભાજપે ઉત્તર પ્રદેશની બે બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ઠાકુર વિશ્વદીપ સિંહને ફિરોઝાબાદથી ટિકિટ આપવામાં આવી છે, જ્યારે શશાંક મણિ ત્રિપાઠીને દેવરિયાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. અહીંથી ભાજપના વર્તમાન સાંસદ રમાપતિ ત્રિપાઠીની ટિકિટ રદ કરવામાં આવી છે. ભાજપે અત્યાર સુધી યુપીમાં 73 સીટો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. યુપીમાં લોકસભાની 80 બેઠકો છે અને સૌથી વધુ લોકસભા સાંસદો ધરાવતું રાજ્ય છે. લોકસભા ચૂંટણી 19 એપ્રિલે પ્રથમ તબક્કાના મતદાન સાથે શરૂ થશે. ગત વખતની જેમ આ વખતે પણ 7 તબક્કામાં મતદાન થશે. 4 જૂને પરિણામ જાહેર થશે.