November 26, 2024

સરબજીત સિંહના હત્યારાની અજાણ્યા હુમલાખોરો દ્વારા પાકિસ્તાનમાં હત્યા

Shot Dead in Pakistan: પાકિસ્તાનના લાહોરની જેલમાં ભારતીય નાગરિક સરબજીત સિંહની હત્યા કરનાર અંડરવર્લ્ડ ડોન આમિર સરફરાઝની રવિવારે હત્યા કરવામાં આવી હતી. માહિતી અનુસાર, સરફરાઝને ‘અજાણ્યા હુમલાખોરો’એ ગોળી મારી હતી. સરફરાઝે જ 2013માં પાકિસ્તાનની કોટ લખપત જેલમાં બંધ ભારતીય નાગરિક સરબજીત સિંહની ગુપ્તચર એજન્સી ISIના નિર્દેશ પર હત્યા કરી હતી.

પંજાબના તરનતારન જિલ્લાના ભીખીવિંડ ગામના ખેડૂત સરબજીત સિંહ 30 ઓગસ્ટ, 1990ના રોજ ભૂલથી પાકિસ્તાન પહોંચી ગયા હતા. ત્યાં પાકિસ્તાની સેનાએ તેમની ધરપકડ કરી જેલમાં કેદ કરી લીધા હતા. પાકિસ્તાને સરબજીત પર ખોટા કેસ લગાવ્યા અને આરોપ લગાવ્યો કે લાહોર અને ફૈસલાબાદમાં થયેલા બોમ્બ વિસ્ફોટોમાં સરબજીત સિંહનો હાથ હતો. બોમ્બ વિસ્ફોટમાં કુલ 14 લોકોના મોત થયા હતા અને સરબજીતને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી.

સરબજીતની બહેન દલબીર અને પત્ની સુખપ્રીત સિવાય ભારત સરકારે પણ સરબજીતને ભારત પરત લાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ આ પ્રયાસો સફળ થઈ શક્યા નહીં. આ દરમિયાન સરબજીત પર પાકિસ્તાનના લાહોરની જેલમાં હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેણે જીવ ગુમાવ્યો હતો. જેલમાં સજા ભોગવતી વખતે સરબજીતના માથા પર ઇંટો વડે મારવામાં આવ્યો હતો. આ પછી તેને લાહોરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, પરંતુ તેનો જીવ બચી શક્યો નહીં.

છેલ્લા કેટલાક વર્ષોમાં પાકિસ્તાનમાં એક પછી એક ભારતના ઘણા દુશ્મન આતંકવાદીઓ માર્યા ગયા છે. ‘અજાણ્યા હુમલાખોરો’એ અત્યાર સુધીમાં ઘણા આતંકવાદીઓને મારી ચૂક્યા છે. હાલમાં જ બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયને પોતાના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે 2019માં પુલવામા આતંકી હુમલા બાદ ભારતીય ગુપ્તચર એજન્સી RAWએ વિદેશી ધરતી પર 20 લોકોની હત્યા કરી છે. નવી દિલ્હીએ તે લોકોને નિશાન બનાવવાની નીતિ લાગુ કરી છે જેને તે ભારતના દુશ્મન માને છે. પાકિસ્તાની અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મૃત્યુ મોટાભાગે યુએઈથી કાર્યરત ભારતીય ગુપ્તચર સ્લીપર સેલ દ્વારા કરવામાં આવ્યા હતા. જોકે, ભારત સરકારે આ અહેવાલોને ફગાવી દીધા હતા.