December 28, 2024

અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે કેરીના પાકને નુકસાન

દશરથસિંહ રાઠોડ, અમરેલી: હાલ રાજ્યમાં કમોસમી વરસાદનો માહોલ સર્જાયો છે. ગઈકાલે પડેલા કમોસમી વરસાદથી ધારી ગીરના ગામડાઓ અને ખાંભા ગીરના ગામડાઓમાં વરસાદ વેરી બનતા બાગાયતી પાક ધરાવતા ખેડૂતોની માઠી દશા બેઠી હતી અને કેરીના આંબામાંથી કેરીઓ પડી ગઇ હતી. વર્ષમાં એકવાર પાક લેતા ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે.

ધારી ગીરના ગઢીયા ચાવંડ ગામમાં ગઈકાલે પડેલા વરસાદથી ખેડૂતોની અવદશા બેઠી હતી ને મોટેભાગે ધારી અને ખાંભા ગીરના ગામોમાં બાગાયતી કેરીના બગીચા ધરાવે છે ગઈકાલે ધારીના ગઢીયા ચાવંડ, દલીનેસ, તરશિંગડા, રાજગરિયા, અને બોરડી ટીબા ગામે અચાનક કમોસમી વરસાદ ખાબક્યો હતો સાથે ખાંભા ગીરના ભાણિયા અને ધાવડિયા ગામમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકતા આંબામાંથી કેરીઓ ખરી પડી હતી અને વર્ષમાં એકવાર જ કેરીનો પાક લેતા ખેડૂતોની દશા કફોડી થઈ હતી ને ખેડૂતોએ હૈયા વરાળ ઠાલવીને સરકાર પાસે સર્વે સાથે સહાયની માંગ કરી છે.

ગીરના ગામડાઓમાં કમોસમી વરસાદ પડતા જ હોય છે પણ હાલ કેરીઓ ખીલી ગઈ છે બીજી તરફ, કેરીના ફળ પણ મોટા મોટા થવા લાગ્યા છે ત્યારે જ કમોસમી વરસાદ વરસતા પાંચેય ગામડાઓ જૂથ ગ્રામ પંચાયત ધરાવતા ગીરના ગામોમાં વધુ પડતું આંબાના બગીચા પર ખેડૂતો નિર્ભર હોય ત્યારે બાગાયતી પાક લેતા ખેડૂતો દ્વારા સરકાર સામે મીટ માંડી બેઠા હોવાનું ગ્રામ પંચાયતના સરપંચ જણાવી રહ્યા છે.

કમોસમી વરસાદને કારણે અમરેલી જિલ્લાઓ પારાવાર પરેશાની ભોગવવી રહ્યો હોય ત્યારે ગઈકાલે પડેલા કમોસમી વરસાદથી આંબાના પાક ધરાવતા ખેડૂતો પ્રત્યે સરકાર સંવેદનશીલ બનીને સર્વે કરાવીને સહાય આપે તોજ જગતનો તાત બેઠો થઈ શકશે.