January 7, 2025

પાટણ લોકસભા બેઠક પર જ્ઞાતિગત સમીકરણ, જાણો કોણ વધારે મજબૂત

patan lok sabha constituency Caste equation know who is stronger

પાટણ લોકસભા મતવિસ્તાર - ફાઇલ તસવીર

ભાવેશ ભોજક, પાટણઃ લોકસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે. ત્યારે બક્ષીપંચ સમાજના પ્રભુત્વવાળી ગણાતી પાટણ લોકસભા બેઠક જીતવા માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે અને પ્રચાર પ્રસારનો ધમધમાટ પૂરજોશમાં શરૂ કર્યો છે. મતદારોને આકર્ષવા માટે બંને પાર્ટીના ઉમેદવારો દ્વારા વાયદા અને વચનો આપવામાં આવી રહ્યા છે. પાટણ લોકસભા બેઠકમાં પાટણની ચાર વિધાનસભા, બનાસકાંઠાની બે વિધાનસભા અને મહેસાણાની એક વિધાનસભા મળી કુલ સાત વિધાનસભાઓનો સમાવેશ થાય છે.

બેઠકની જનરલ માહિતી
સાત વિધાનસભાઓની બનેલી પાટણ લોકસભા બેઠકમાં બનાસકાંઠાની કાંકરેજ અને વડગામ વિધાનસભા તેમજ મહેસાણાની ખેરાલુ વિધાનસભા ઉપરાંત પાટણ, ચાણસ્મા, રાધનપુર,અને સિધ્ધપુર વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. પાટણ લોકસભામાં આવતી વિધાનસભાની સાત બેઠકો ઉપર પાટણ, ચાણસ્મા, વડગામ અને કાંકરેજ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારો ચૂંટાયા છે. જ્યારે રાધનપુર સિદ્ધપુર અને ખેરાલુ બેઠક પર ભાજપના ઉમેદવારો ચૂંટાયેલા છે.

આ પણ વાંચોઃ પાટણની લોકસભા બેઠકનું A to Z, જાણો કેટલો વિકાસ થયો

લોકસભા મતવિસ્તારમાં અનેક પ્રશ્નો
પાટણ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર દ્વારા પૂરજોશમાં પ્રચાર પ્રસાર શરૂ કરવામાં આવ્યો છે. લોકોનો સારો સહકાર ઉમેદવારને મળી રહ્યો છે. પાટણ લોકસભા મતવિસ્તારમાં લોકોના અનેક પ્રશ્નો છે. ખેરાલુ સહિત પાટણ જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં પાણીનો પેચીદો પ્રશ્ન, સતલાસણમાં જમીન સંપાદન બાદ પૈસા ખેડૂતોને મળ્યા નથી. જિલ્લાના ખેડૂતોને પાક નિષ્ફળનું વળતર સરકાર દ્વારા ચૂકવવામાં આવ્યું નથી. દરેક સમાજના લોકો કોંગ્રેસને સમર્થન કરી રહ્યા છે, ત્યારે આ ચૂંટણી જંગી મતોથી જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

ભારતીય જનતા પાર્ટીએ પાટણ લોકસભા બેઠક જાળવી રાખવા માટે ફરીથી ભરતસિંહ ડાભીને રિપિટ કર્યા છે. ત્યારે ભરતસિંહ ડાભી પણ આ બેઠક જાળવી રાખવા માટે મતદારો સમક્ષ જઈ પાંચ વર્ષ દરમિયાન કરેલા કામો ગણાવી રહ્યા છે. ભરતસિંહ ડાભીએ જણાવ્યું હતું કે, પાટણ લોકસભા મત વિસ્તારના મતદારોએ ખોબલે ખોબલે મત આપી મને સાંસદ તરીકે દિલ્હી મોકલ્યો છે. ત્યારે જાહેર જીવનના મૂલ્યો સાચવીને પ્રમાણિકતાથી આ હોદ્દા ઉપર કામ કરીને મેં ન્યાય આપ્યો છે. કોઈ ઝઘડામાં કે કોઈના વિવાદમાં ક્યારે પડ્યો નથી. એક સાંસદ તરીકે ઉત્તર ગુજરાતમાં જે મોટા પ્રશ્નો હતા તે પ્રશ્નો પૂરા કરવાનો મેં પ્રયત્ન કર્યો છે. મહેસાણા, તારંગા, આબુરોડ, અંબાજી રેલવે લાઇનનો વર્ષો જૂનો પ્રશ્ન હતો તે મુદ્દે સાંસદમાં નિયમ 377 મુજબ મેં રજૂઆત કરી હતી તે સંદર્ભે કેન્દ્ર સરકારે 3000 કરોડ રૂપિયા ફાળવ્યા છે અને હાલમાં આ રેલવે લાઇનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.

આ પણ વાંચોઃ જયશંકરનો જડબાતોડ જવાબ – UNએ ભારતની ચૂંટણીની ચિંતા કરવાની જરૂર નથી

જ્ઞાતિ આધારિત સમીકરણ
બક્ષીપંચ સમાજની પ્રભુત્વવાળી પાટણ લોકસભા બેઠક ઉપર જ્ઞાતિ મુજબ મતદારોનું સમીકરણ જોતા આ બેઠક ઉપર સૌથી વધુ ઠાકોર સમાજના 5,24,775, પટેલ સમાજના 1.25 લાખ, દલિત સમાજના 1.60 લાખ, મુસ્લિમ સમાજના 2.20 લાખ, દેસાઈ રબારી સમાજના 1.21 લાખ, ચૌધરી સમાજના 1.16 લાખ, પ્રજાપતિ સમાજના 70012, બ્રાહ્મણ સમાજના 52 હજાર, દરબાર રાજપૂત સમાજના 1.38 લાખ, રાવળ સમાજના 45000, નાડોદા પટેલ સમાજના 22000, ભરવાડ સમાજના 14000, દેવીપુજક સમાજના 52000, મોદી સમાજના 13000, ઠક્કર સિંધી સમાજના 22,000, આદિવાસી સમાજના 15000, સાધુ ગોસ્વામી સમાજના 15000, આહિર સમાજના 18000, ગઢવી સમાજના 2000, નિરાશીત ઠાકોર સમાજના 17000 મતદારો ઉપરાંત નાના સમાજના અન્ય મતદારોનો સમાવેશ થાય છે.

20.19 લાખ મતદારોનો સમાવેશ
પાટણ લોકસભા બેઠકમાં વડગામ, કાંકરેજ, રાધનપુર, ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર અને ખેરાલુ મળી સાત વિધાનસભા બેઠકોના 700 જેટલા ગામડાઓનો સમાવેશ થાય છે. 1/1/ 2024ની લાયકાત મુજબ પ્રસિદ્ધ થયેલી મતદાર યાદી મુજબ વડગામ વિધાનસભામાં કુલ 2,99,217 મતદારોનો સમાવેશ થાય છે. જેમાં 1,52,113 પુરુષ મતદારો અને 1,47,102 સ્ત્રી મતદારો તેમજ અન્ય 2 મતદારોનો સમાવેશ થાય છે. ત્યારે કાંકરેજ વિધાનસભામાં 2,99,097 મતદારો પૈકી 1,55,570 પુરુષ મતદારો અને 1,43,526 સ્ત્રી મતદારો અને એક અન્ય મતદારનો સમાવેશ થાય છે. રાધનપુર વિધાનસભામાં 1,59,077 પુરુષ મતદારો, 1,49,815 સ્ત્રી મતદારો અને જાતિના 7 મતદારો મળી કુલ 3,08,899 મતદારોનો સમાવેશ થાય છે. ચાણસ્મા વિધાનસભામાં 1,52,708 પુરુષ મતદારો 1,44,421 સ્ત્રી મતદારો અને 1 અન્ય જાતિનો મતદાર મળી કુલ 2,97,130 મતદારોનો સમાવેશ થાય છે. પાટણ વિધાનસભામાં 1,59,516 પુરુષ મતદારો 1,50,787 મહિલા મતદારો અને 19 અન્ય જાતિના મતદારો મળી કુલ 3,10,322 મતદારોનો સમાવેશ થાય છે. જ્યારે સિદ્ધપુર વિધાનસભામાં 1,41,574 પુરુષ મતદારો 1,33,627 મહિલા મતદારો મળી કુલ 2,75,201 મતદારોનો સમાવેશ થાય છે. ખેરાલુ વિધાનસભામાં 1,18,550 પુરુષ મતદારો 1,10,786 મહિલા મતદારો અને અન્ય જાતિના 1 મતદાર મળી કુલ 2,29,337 મતદારોનો સમાવેશ થાય છે. પાટણ લોકસભા બેઠકમાં આવતી સાત વિધાનસભા બેઠકોમાં કુલ 10,39,108 પુરુષ મતદારો અને 9,80,064 મહિલા મતદારો તેમજ અન્ય જાતિના 31 મતદારો મળી કુલ 20,19,203 મતદારોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ 2019 લોકસભા ચૂંટણીની 10 હાઇપ્રોફાઇલ સીટ, કેટલાય મોટા ચહેરા હાર્યા

જ્ઞાતિવાદી પરીબળો નિર્ણાયક
પાટણ લોકસભા બેઠક પરના પરિણામો પર મુખ્યત્વે જ્ઞાતિ પરિબળો અસર કરે છે. આ બેઠક પર પાંચ લાખથી વધુ મત ઠાકોર સમાજના છે. જ્યારે દલિત અને ચૌધરી સમાજના પણ 1,00,000થી વધુ મત છે. શ્રવણ સમાજની વિવિધ જ્ઞાતિઓના મત પણ ચૂંટણીમાં નિર્ણાયક બની રહે છે આમ પાટણ લોકસભા બેઠક ઉપર જ્ઞાતિવાદી પરિબળો ચૂંટણી પરિણામો ઉપર સીધા અસરકર્તા છે.

છેલ્લા 5 ટર્મનું પરિણામ
1999માં આ બેઠક કબ્જે કરવા માટે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓએ કમર કસી હતી. જેમાં કોંગ્રેસના પ્રવીણ રાષ્ટ્રપાલનો વિજય થયો હતો. જ્યારે વર્ષ 2004માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં આ બેઠક કબજે કરવા માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રવીણ રાષ્ટ્રપાલને ટિકિટ આપી મેદાને ઉતાર્યા હતા. જ્યારે ભાજપે મહેશ કનોડીયાને ટિકિટ આપતા ચૂંટણી જંગ બરાબર જામ્યો હતો અને પરિણામો જાહેર થતાં મહેશ કનોડીયાને 2,73,970 મત મળ્યા હતા એટલે કે 50% મત મળ્યા હતા. જ્યારે પ્રવીણ રાષ્ટ્રપાલને 2,50,346 મત મળ્યા હતા. પ્રવીણ રાષ્ટ્પાલને 46.51 મત મળ્યા હતા. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના મહેશ કનોડીયાનો 23,624 મતોથી ભવ્ય વિજય થયો હતો. 2009ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના જગદીશ ઠાકોરને 2,83,772 મત જ્યારે ભાજપના ભાવસિંહ રાઠોડને 2,65,271 મત મળ્યા હતા. આ ચૂંટણીમાં જગદીશ ઠાકોરનો 18,054 મતે વિજય થયો હતો.

2014ની લોકસભાની ચૂંટણીમાં આ બેઠક કબજે કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના ભાવસિંહ રાઠોડ સામે લીલાધર વાઘેલાને મેદાનમાં ઉતાર્યા હતા. લીલાધર વાઘેલાને 5,18,538 મત મળ્યા હતા. જ્યારે હરીફ ઉમેદવાર ભાવસિંહ રાઠોડને 3,79,819 મત મળતા લીલાધર વાઘેલાનો 1,38,719 મતે ભવ્ય વિજય થયો હતો. જ્યારે 2019ની લોકસભાની બેઠક જીતવા માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા જગદીશ ઠાકોરને ટિકિટ આપી હતી. જ્યારે આ બેઠક જાળવી રાખવા માટે ભાજપે ભરતસિંહ ડાભીને ટિકિટ આપી મેદાનમાં ઉતાર્યા હતા. ચૂંટણીના પરિણામો જાહેર થતાં ભરતસિંહ ડાભીને 6,33,368 મત મળ્યા હતા. જ્યારે હરીફ ઉમેદવાર જગદીશ ઠાકોરને 4,39,489 મત મળતા ભાજપના ભરતસિંહ ડાભીનો 1,93,879 મતે ભવ્ય વિજય થયો હતો અને ભાજપે આ બેઠક જાળવી રાખી હતી.

રોજગારી સહિતના પ્રાણ પ્રશ્નો
પાટણ લોકસભા બેઠક ઉપર અત્યાર સુધી ચૂંટાઈ આવેલા એકપણ ઉમેદવારે પાટણના પ્રાણ પ્રશ્નો પર કોઈ કામ કર્યા નથી. જેથી અન્ય શહેરોની તુલનામાં પાટણ જિલ્લાનો યોગ્ય વિકાસ થયો નથી. પાટણને વિકસિત કરવા માટે એક સીટી પ્લાન બનવો જોઈએ જેથી શહેરનો સર્વાંગી વિકાસ થાય. શહેરમાં રિંગ રોડની તાતી જરૂરિયાત છે. પાટણ લોકસભા મતવિસ્તારની પ્રજા ઘણા વર્ષોથી વિકાસથી વંચિત રહી છે. કોઈ પણ શાસનમાં જોઈએ તેટલો વિકાસ થયો નથી. પાટણ જિલ્લામાં રોજગારીનો વિકટ પ્રશ્ન છે. શિક્ષિત યુવાનોને જિલ્લામાં રોજગારી મળતી ન હોવાને કારણે તેઓ અન્ય શહેરોમાં જઈ રહ્યા છે. કોઈપણ શહેરના વિકાસ માટે ઉદ્યોગોની તાતી જરૂરિયાત છે. પાટણ જિલ્લામાં એક પણ મોટા ઉદ્યોગો નથી. વર્ષો જૂની પાટણ-ભીલડી રેલ્વે લાઈન સેવા શરૂ થઈ છે, પણ મોટાભાગની ટ્રેનો રાત્રીના સમય આવતી હોવાથી મુસાફરો તેનો જોઈએ તેવો લાભ લઈ શકતા નથી. વર્લ્ડ હેરિટેજ રાણીની વાવ પાટણ ખાતે આવેલી છે ત્યારે બહારથી આવતા પર્યટકોને રહેવા અને જમવા માટેની ઉત્તમ સુવિધા સરકાર દ્વારા કરાઈ નથી. રાયડો, કપાસ, જીરું સહિતની લોકલ પેદાશોને બાય પ્રોડક્ટો બનાવવાનું કામ થયું નથી. રેલવે ઉપરાંત પાટણને નેશનલ હાઈવે સાથે જોડવો પણ જરૂરી છે. આનંદીબેન પટેલના ગયા પછી પાટણ હાસિયામાં ધકેલાઈ ગયું છે. ખેતી અને પશુપાલન પર આધારિત પાટણ લોકસભા મત વિસ્તારનો આઝાદીના 70 વર્ષ બાદ પણ જોઈએ એટલો વિકાસ થયો નથી.