અમદાવાદમાં ગરમી વધતા ટ્રાફિક વિભાગનો મોટો નિર્ણય, બપોરે સિગ્નલ બ્લિન્કર કરશે
મિહિર સોની, અમદાવાદઃ શહેરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થતા અસહ્ય ગરમી વચ્ચે ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલક માટે રાહતનો નિર્ણય લીધો છે. ગરમીમાં વાહનચાલકોને ભરબપોરે ટ્રાફિક સિગ્નલ ઉપર ઉભા રહેવું પડે છે જેમાં લૂ લાગવાના અને બેભાન થઈ જવાની ઘટના બનતી હોય છે. જેથી ટ્રાફિક વિભાગે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
અમદાવાદ શહેરમાં બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી 100 જેટલા ટ્રાફિક સિગ્નલ બંધ એટલે કે બ્લિન્કર કરી દેવાશે. જ્યારે વધારે ટ્રાફિકવાળા કેટલાક સિગ્નલની ચેઈનનો સમય 50 ટકા સુધી ઓછો કરી દેવામાં આવશે.
બીજી બાજુ અસહ્ય ગરમીના કારણે ટ્રાફિક પોલીસ અને વાહનચાલકો માટે ડિહાઇડ્રેશનના પેકેટ પણ આપવામાં આવ્યા છે. જેથી આ કાળઝાળ ગરમીથી રક્ષણ આપી શકાય. ગરમીમાં વાહનચાલકોને બપોરના સમયમાં ઓનલાઈન મેમોમાં પણ રાહત મળશે.
ગરમી વઘતા હિટ સ્ટ્રોકના કેસમાં વધારો
મળતી માહિતી પ્રમાણે, ગરમીનો પારો વધતા ઝાડા-ઉલટીનાં કેસમાં 23%નો વધારો નોંધાયો છે. જ્યારે હિટ સ્ટ્રોકના કેસમાં 11 ટકાનો વધારો નોંધાયો છે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહથી ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. ત્યારે હિટ સ્ટ્રોકથી લઈને ઝાડા ઉલ્ટીના કેસમાં વધારો નોંધાયો છે. ગત માર્ચ મહિનામાં ઝાડા ઉલ્ટીના 5009 કેસો સામે આવ્યા હતા. જે વધીને માર્ચ 2024 માં 6176 કેસ નોંધાયા છે.
લૂ લાગવાના કિસ્સા વધ્યાં
બીજી તરફ લૂ લાગવાના કેસમાં પણ આંશિક વધારો જોવા મળ્યો છે. તેના કેસ વધીને 11.11 ટકાએ પહોંચ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હિટ સ્ટ્રોકના દર્દીઓ માટે ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં અત્યાર સુધી 15 દર્દીઓને સારવાર આપવામાં આવી છે. માથાના દુઃખાવાના કેસમાં પણ વધારો નોંધાયો છે. ગત માર્ચ મહિનામાં માથાના દુઃખાવાના 472 કેસ નોંધાયા હતા, જે આ વર્ષે વધીને માર્ચ 2024માં 570 કેસ એટલે કે 20.76% વધારો નોંધાયો છે. પેટના દુખાવામાં પણ વધારો નોંધાયો છે પેટના દુઃખાવાના ગત માર્ચમાં 7836 કેસ હતા જે 2024 માં વધીને 8674 કેસ સામે આવ્યા છે.. ગરમીથી બચવા માટે ડોકટર દ્વારા બપોર નાં સમયે બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે.