December 19, 2024

સુરત: પેટ્રોલ પંપ પર મારામારી, યુવકે મિત્રો સાથે મળી અન્ય યુવકને ચપ્પુના ઘા માર્યા

અમિત રૂપાપરા, સુરત: કતારગામ વિસ્તારમાં આંબા તલાવડી રોડ પર પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવતા સમયે માથાકુટ થઇ હતી. અહીં પેટ્રોલ ભરાવતા સમયે યુવકે સામુ જોતા મારી સામે કેમ જુએ છે તેવું કહીને પોતાના મિત્રો સાથે મળી યુવક પર ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. આ દરમિયાન યુવકને ઈજાગ્રસ્ત કરનારા બેની કતારગામ પોલીસે ધરપકડ કરી છે. જેમાંથી એક સગીર વયનો હોવાનું સામે આવ્યું છે.

25 માર્ચના રોજ કતારગામ વિસ્તારમાં આંબાતલાવડી રોડ ખાતે આવેલા નાયરાના પેટ્રોલ પંપ પર એક યુવક પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી હતી. સામાન્ય બોલાચાલી બાદ એક યુવક પર ગુપ્તિ જેવા હથિયાર વડે હુમલો કરાયો હતો. અનિકેત નાયકા, વિપુલ રાઠોડ અને એક સગીરે સાથે મળીને એક યુવક પર હુમલો કર્યો હતો.

આ પણ વાંચો: હૈદરાબાદે IPLના ઈતિહાસમાં બનાવ્યો સૌથી મોટો સ્કોર, મુંબઈને આપ્યો 278 રનનો ટાર્ગેટ

ત્યારબાદ ભોગ બનનારના પરિવારના સભ્યોએ આ બાબતે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને બાતમીના આધારે પાંડેસરા ગોવાલક ગામ ખાડી કિનારેથી અનિકેત નાયકા નામના ઈસમની તેમજ એક સગીરની ધરપકડ કરવામાં આવી હતી.

આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, 25 માર્ચના રોજ આરોપી અને તેના મિત્ર નાયરા પેટ્રોલ પંપ પાસે બેઠેલા હતા ત્યારે એક યુવકે મોટરસાયકલમાં પેટ્રોલ ભરાવતા આરોપી સામે જોયું હતું. જેથી આરોપીઓએ સામું કેમ જુએ છે તેવું કહેતા ઝઘડો થયો હતો અને ત્યારબાદ આરોપીએ પોતાના મિત્રો સાથે મળીને આ યુવક પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. એવી પણ માહિતી સામે આવી છે કે, આરોપી કેતન નાયકા સામે અગાઉ પણ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.