સુરતમાં મહિલાનો PM મોદી માટે ‘પિંક રિક્ષા’થી અનોખો પ્રચાર
અમિત રુપાપરા, સુરતઃ લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને ભાજપ દ્વારા 400 કરતાં વધારે બેઠક મેળવવાનો દાવો કરવામાં આવ્યો છે. ત્યારે ફરી એક વખત દેશમાં મોદી લહેર છવાઈ તો નવાઈ નહીં. કારણ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા કાર્યોથી પ્રભાવિત થઈને ઘણા બધા લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રચાર કરી રહ્યા છે. આ જ રીતે સુરતમાં પિંક ઓટો રીક્ષા ચલાવતી એક મહિલા દ્વારા ‘મેં હૂં મોદી કા પરિવાર’ના સૂત્રોવાળા પોસ્ટર રિક્ષામાં લગાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
રિક્ષા ચલાવીને કરે છે પ્રચાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક સૂત્ર આપવામાં આવ્યું છે કે, દેશના તમામ લોકો મોદીનો પરિવાર છે. ત્યારે સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા અને પિંક ઓટો ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા દર્શનાબેન પટેલ દ્વારા પિંક ઓટો રીક્ષામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા ‘મેં હૂં મોદી કા પરિવાર’ના સૂત્રોવાળા પોસ્ટરો રિક્ષામાં અલગ અલગ જગ્યા પર લગાવવામાં આવ્યા છે. દર્શનાબેન પટેલ આ સૂત્રો સાથે અલગ અલગ જગ્યાએ રીક્ષા ચલાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રચાર કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ ગુજરાતના રાજકારણમાં અસદુદ્દીન ઔવેસીની એન્ટ્રી, આ બે લોકસભા સીટ પર લડશે
નરેન્દ્ર મોદીની યોજનાનો લાભ મળ્યોઃ દર્શનાબેન
પિંક ઓટો રીક્ષા ચલાવતા દર્શનાબેન પટેલનું કહેવું છે કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોજનાઓનો લાભ તેમને લીધો છે. પતિની ગેરહાજરી બાદ દિવ્યાંગ દીકરાનું ભરણપોષણ કરવામાં પિંક ઓટો રીક્ષા તેમને ખૂબ જ મદદરૂપ થઈ રહી છે. મોદી સરકારની યોજનાના કારણે જ તેમને રોજીરોટી માટેનું આ સાધન મળ્યું છે. આ ઉપરાંત આયુષ્યમાન ભારત કાર્ડ અને ફ્રી રાશનની સુવિધા પણ સરકાર દ્વારા તેમને આપવામાં આવે છે અને એટલા માટે જ આ તમામ યોજનાઓથી પ્રેરાઈને તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રચાર કરી રહ્યા છે.’