BYJU એ ઓફિસો બાદ હવે ટ્યુશન ક્લાસ બંધ કર્યા!
BYJU Tuition Center: એડટેક કંપની BYJUની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકટના કારણે કંપનીની હાલત સુધરવાનું નામ નથી લઈ રહી. બાયજૂ એક સમયે દેશની સૌથી ઝડપથી યૂનિકોર્ન બનનાર સ્ટાર્ટઅપમાં ગણાતી હતી. આજે કર્મચારીઓને પૈસા ચુકવવામાં પણ અસર્મથ બની ગઈ છે.
આ પણ વાંચો: Byju’sની તમામ ઓફિસો બંધ, 15 હજાર કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ મોડ પર
પરિસ્થિતિ એ છે કે પૈસા બચાવવા માટે કંપનીએ પહેલા તેની તમામ પ્રાદેશિક કચેરીઓ બંધ કરવી પડી હતી અને હવે કંપનીએ તેના ટ્યુશન સેન્ટર બંધ કર્યા છે. BYJUએ ખર્ચ ઘટાડવા માટે 30 કેન્દ્રો બંધ કર્યા છે. કંપનીએ કહ્યું કે, તેના 262 સેન્ટર હાઇબ્રિડ મોડલ પર ચાલશે. તે ઉપરાંત તેની કામગીરીના ત્રીજા વર્ષમાં મોટાભાગના કેન્દ્રોને નફાકારક બનાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
કેન્દ્ર હાઇબ્રિડ મોડલ પર કામ કરશે
BYJU’S એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેને તેના શિક્ષકોના સમર્પણ અને તેના વિદ્યાર્થીઓના પ્રદર્શન પર ખૂબ જ ગર્વ છે. BYJU નું કાર્યક્ષમતા સાથે ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવાથી તેના મોટાભાગના કેન્દ્રોને નફાકારક બનાવવામાં મદદ મળી રહી છે. કંપનીના 90 ટકા ટ્યુશન સેન્ટર આગામી વર્ષમાં નવી ટેકનોલોજી સાથે હાઇબ્રિડ મોડલ પર કામ કરશે.
પ્રાદેશિક કચેરીઓ પહેલેથી જ બંધ હતી
ખર્ચ ઘટાડવા માટે કંપનીએ તેની તમામ પ્રાદેશિક કચેરીઓ પહેલાથી જ બંધ કરી દીધી હતી. જેના કારણે તેમાં કામ કરતા લગભગ 15,000 કર્મચારીઓને અનિશ્ચિત સમય માટે ઘરેથી કામ આપવામાં આવ્યું હતું. હવે બાયજુની માત્ર એક જ કોર્પોરેટ ઓફિસ છે. જે બેંગલુરુના નોલેજ પાર્કમાં IBC હેડક્વાર્ટરમાં છે. મહત્વનું છેકે બાયજુએ 20 થી વધુ પ્રાદેશિક ઓફિસો ખોલી હતી. આ ઓફિસો દિલ્હી, ગુરુગ્રામ, મુંબઈ, પુણે, હૈદરાબાદ, ચેન્નાઈ અને અન્ય શહેરો હતી.
નોંધનીય છે કે બાયજુ પૈસાની ભારે અછતનો સામનો કરી રહી છે. કંપની પોતાના કર્મચારીઓને સમયસર પગાર પણ ચૂકવી શકતી નથી. આ કંપનીના સ્થાપક અને સીઈઓ રવિન્દ્રનને તાજેતરમાં તેમનું ઘર ગીરો રાખવું પડ્યું. જેથી તેઓ કર્મચારીઓને પગાર ચૂકવી શકે.