બોપલના TRP મોલમાં ભીષણ આગ, મોટા પ્રમાણમાં નુકસાન
અમદાવાદઃ શહેરના બોપલ વિસ્તારમાં મોડી રાતે TRP મોલમાં ભીષણ આગ લાગી હતી. મોલના ચોથા અને પાંચમા ફ્લોર પર આગ લાગી હતી. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ ફાયરવિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.
મળતી માહિતી પ્રમાણે, બોપલના TRP મોલમાં ભીષણ આગ લાગી હતી. ત્યારે ચોથા અને પાંચમા માળે આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયરવિભાગની 10થી વધુ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ સુરતમાં ઠેર-ઠેર યોજાશે વૈદિક હોળી, જાણો તેના ફાયદા
પ્રાથમિક તપાસ દરમિયાન, શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. પાંચમા ફ્લોર પર આવેલા ગેમિંગ ઝોનથી આગની શરૂઆત થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારબાદ આગ ધીમે ધીમે આખા ફ્લોર પર પ્રસરી ગઈ હતી. આગ લાગવાને કારણે સામે આવેલા પેટ્રોલ પંપને બંધ કરવાની ફરજ પડી હતી. ઉલ્લેખનીય છે કે, આગ લાગવાને કારણે મોલમાં આવેલી દુકાનોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.
આ પણ વાંચોઃ બોર્ડ પરીક્ષાની મૂલ્યાંકન કામગીરીમાં 300થી વધુ શિક્ષકો ગેરહાજર, DEOએ નોટિસ ફટકારી
આ ઉપરાંત મોલમાં આવેલા સિનેમા હોલને પણ બંધ કરવામાં આવ્યો હતો. તેટલું જ નહીં, મોલના ચોથા માળે ગર્લ્સ પીજી આવેલું હતું. ત્યારે 100થી વધુ ગર્લ્સને સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી. આ સિવાય મોલમાં બે હોસ્પિટલ આવેલી છે. ત્યારે ફાયરવિભાગની ટીમે તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
આ ઘટનાને પગલે ફાયરવિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યારે બોપલ પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી.