December 23, 2024

કેજરીવાલને વધુ એક ફટકો, દિલ્હી હાઈકોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાનો કર્યો ઇનકાર

Arvind Kejriwal Arrest: દિલ્હી હાઈકોર્ટે સીએમ અરવિંદ કેજરીવાલ દ્વારા તેમની ધરપકડ અને અટકાયતને પડકારતી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. દિલ્હી હાઈકોર્ટ કેજરીવાલની અરજી પર 27 માર્ચે સુનાવણી કરશે. અરવિંદ કેજરીવાલના વકીલ વતી હાઇકોર્ટને વિનંતી કરવામાં આવી હતી કે તે આ મામલે તાત્કાલિક સુનાવણી કરે. આ કેસની લિસ્ટિંગ હવે બુધવારે (27 માર્ચ) થશે.

ધરપકડ અને રિમાન્ડને પડકારવામાં આવ્યા હતા
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે (22 માર્ચ) તેમની ધરપકડ અને ED રિમાન્ડને પડકારતા દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. અરવિંદ કેજરીવાલે 24 માર્ચે તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે, 21 માર્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની બે કલાક પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી હતી. દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે (21 માર્ચ) અરવિંદ કેજરીવાલની અરજી ફગાવી દીધી હતી. જેમાં દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસમાં EDને તેમની સામે કાર્યવાહી કરવાથી રોકવાની માંગ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ‘હું જલદી બહાર આવીશ’, પત્ની સુનીતાએ વાંચ્યો જેલમાં બંધ કેજરીવાલનો સંદેશ 

નવમા સમન્સ પછી પણ કોર્ટનો સંપર્ક કર્યો
ઇડી દ્વારા જારી કરાયેલા નવમા સમન્સ બાદ અરવિંદ કેજરીવાલે હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો. જેમાં કોર્ટે કેજરીવાલને 21મી માર્ચે હાજર થવા જણાવાયું હતું. નોંધનીય છે કે દિલ્હીના મુખ્યમંત્રીએ સમન્સને ગેરકાયદે ગણાવીને એજન્સી સમક્ષ હાજર થવાનો વારંવાર ઇનકાર કર્યો હતો. આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલને શુક્રવારે (22 માર્ચ) સ્પેશિયલ જજ કાવેરી બાવેજા સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. જ્યાં કેજરીવાલને 6 દિવસ માટે ED કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. બીજી બાજુ અરવિંદ કેજરીવાલને કસ્ટડીમાં મોકલ્યા બાદ આમ આદમી પાર્ટીના નેતાઓએ દાવો કર્યો છે કે દિલ્હીના મુખ્યમંત્રી જેલમાંથી સરકાર ચલાવશે.