December 28, 2024

દિલ્હી લિકર પોલિસી કેસની સુનાવણી કરી રહેલા જજની થઇ બદલી

Delhi Liquor Policy case: દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસની સુનાવણી કરી રહેલા વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલની બદલી કરવામાં આવી છે. હવે તેમની જગ્યાએ જજ કાવેરી બાવેજાની નિમણૂક કરવામાં આવી છે, હવે આ કેસની સુનાવણી કાવેરી બાવેજા કરશે. નોંધનીય છે કે ઈડી આ લિકર પોલિસી કૌભાંડમાં આમ આદમી પાર્ટી અને તેના નેતાઓને આરોપી બનાવી રહી છે.  AAP નેતા અને દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહ આ જ કૌભાંડ કેસમાં જેલમાં છે.

લિકર પોલિસી કૌભાંડમાં EDએ CM કેજરીવાલને સમન્સ મોકલ્યા 
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને અનેક વખત સમન મોકલ્યાં છે. હાલમાં જ કેજરીવાલને 9મું સમન મોકલ્યું હતું. જેમાં 21 માર્ચે હાજર થવા કહ્યું હતું. અગાઉના સમન્સ પર હાજર ન થવાના કેસમાં શનિવારે જ તેને દિલ્હીની કોર્ટમાંથી જામીન મળી ગયા હતા.

કેન્દ્રીય એજન્સીએ 2 નવેમ્બર 2023ના રોજ મુખ્યમંત્રીઅરવિંદ કેજરીવાલને પહેલું સમન્સ મોકલ્યું હતું પરંતુ તેઓ હાજર થયા ન હતા. આ પછી એજન્સીએ તેમને 21 નવેમ્બર, 3 જાન્યુઆરી, 18 જાન્યુઆરી, 2 ફેબ્રુઆરી, 19 ફેબ્રુઆરી, 26 ફેબ્રુઆરી અને 4 માર્ચે સમન્સ મોકલ્યા હતા. બીજી બાજુ સીએમ કેજરીવાલ કોઈ સમન્સ પર હાજર ન થયા અને કેન્દ્ર સરકાર પર એજન્સીના દુરુપયોગનો આરોપ લગાવ્યો. આમ આદમી પાર્ટી અને દિલ્હીના મુખ્યમંત્રીનો દાવો છે કે કેન્દ્રીય એજન્સી ED તેમની ધરપકડ કરવા માંગે છે.

ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીની લિકર પોલિસીએ અરવિંદ કેજરીવાલને મોટી મુશ્કેલીમાં મુકી દીધા છે. કેજરીવાલ વારંવાર સમન્સનો સામનો કરી રહ્યા છે અને તેમના પર ધરપકડનો ખતરો તોળાઈ રહ્યો છે. ભાજપ તેમના પર કૌભાંડનો આરોપ લગાવી રહી છે, જ્યારે AAP તેને રાજકીય ષડયંત્ર ગણાવી રહી છે.

લિકર પોલિસીને કારણે AAP સરકાર પર દબાણ
લિકર પોલિસીને કારણે આમ આદમી પાર્ટીની સરકાર પર ઘણું દબાણ છે. આ નીતિ 22 માર્ચ, 2021ના ​​રોજ અમલમાં આવી હતી, જેમાં સરકારે દારૂના વ્યવસાયમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો હતો. આ કેસમાં પહેલાં બે વરિષ્ઠ નેતાઓ જેલ જઈ ચૂક્યા છે. ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની 26 ફેબ્રુઆરી 2023ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ ગયા વર્ષે 4 ઓક્ટોબરે સંજય સિંહને પણ આ જ કેસમાં જેલમાં જવું પડ્યું હતું.