December 27, 2024

ખેડૂતોને પાકના યોગ્ય ભાવ મળતા ખુશીનો માહોલ

પાર્થ ભટ્ટ, સાબરકાંઠા: જિલ્લાના હિંમતનગર માર્કેટ યાર્ડમાં આજે ઘઉંની ખરીદીનો ભાવ 480 રૂ. થી 800 રૂ. સુધી બોલાતા ખેડૂત આલમમાં ખુશીનો માહોલ સર્જાયો છે. જોકે સમગ્ર વર્ષ દરમિયાન વાવાઝોડું, વરસાદ અને અનિયમિત વાતાવરણના પગલે દર વર્ષ કરતા આ વર્ષે ઘઉં સહિતના પાકોના ઉત્પાદનમાં ઘટી આવી છે. તેમ છતાં રેકોર્ડ ભાવ બોલાતા ખેડૂત જગતમાં ખુશીનો માહોલ સર્જાયો છે. તેમજ આગામી સમયમાં હજુ પણ રવિ પાકના ભાવ ઊંચકાય તેવી સંભાવનાઓ છે.

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક તેમજ સૌથી મોટા માર્કેટ યાર્ડ ગણાતા હિંમતનગર APMCમાં આજે ઘઉંના ભાવ 480 રૂ. થી 800 રૂ. સુધી બોલાયો જતો. જેના કારણે જિલ્લાના અન્ય માર્કેટયાર્ડ સહિત ખેડૂત આલમમાં હર્ષોલ્લાસ સર્જાયો છે. હિંમતનગર માર્કેટ યાર્ડમાં આજે 15,000 થી લઈ 20,000 બોડી ઘઉંની આવક થવાની સાથોસાથ ભાવમાં પણ ખૂબ મોટો ઉછાળો નોંધાયો છે. જે અંતર્ગત 480 રૂ. થી 800 રૂ. સુધીના ભાવ બોલાતા ખેડૂત આલમમાં ખુશી વ્યાપી છે.

આજે હિંમતનગર માર્કેટ યાર્ડમાં 350 થી વધારે ટ્રેક્ટર હિંમતનગર માર્કેટ યાર્ડમાં ગઈકાલ રાત્રેથી જ લાઈનમાં ખડકાયા હતા. તેમજ આજે જાહેર હરાજીની શરૂઆત થતાં જ ખેડૂતો માટે ઘઉંના ભાવ ઉચકાયા છે. મહત્વનું છેકે, સમગ્ર વર્ષ દરમિયાન વારંવાર બદલાતા રહેતા વાતાવરણ સહિત વાવાઝોડું અને વરસાદ જેવી કુદરતી આફતો આવી હતી. જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન અને ઉત્પાદનમાં ઘટાડો થયો હતો. જેની સામે આજે માર્કેટ યાર્ડમાં સારા ભાવ મળવાના કારણે ખેડૂતોમાં આનંદનો માહોલ છે.