શિક્ષણ બોર્ડ પેપર ચકાસણી કરતા શિક્ષકોના ભથ્થામાં કર્યો વધારો
મલ્હાર વોરા, ગાંધીનગર: ગુજરાતમાં હાલ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે ગુજરાત શિક્ષણ બોર્ડે પેપર ચકાસણીના પૈસામાં વધારાની જાહેરાત કરી છે. મહત્વનું છેકે, રાજ્યમાં દર ત્રણ વર્ષે શિક્ષણ વિભાગ પેપર ચકાસણીના પૈસામાં વધારો કરે છે. ત્યારે આ વર્ષે ધોરણ 10 અને 12ના પેપર દીઠ 1 રુપિયાનો વધારો કર્યો છે. જેના અનુસાર સરકાર ગત વર્ષ કરતા આ વર્ષે 4 લાખ વધુ રૂપિયા પેપર ચકાસણી પાછળ ખર્ચ કરશે.
બોર્ડના પેપર ચકાસણી ભથ્થામાં આ વર્ષે વધારો કરવામાં આવ્યો છે. જેમાં ધોરણ 10 માં ગત વર્ષ એક પેપર દીઠ શિક્ષકને 7 રૂપિયાને 50 પૈસા આપવામાં આવતા હતા. જેની સામે આ વર્ષે શિક્ષકને પેપર દીઠ 8 રૂપિયાને 50 પૈસા આપવામાં આવશે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ગત વર્ષે એક પેપર ચેક કરવા બદલ શિક્ષકને 8 રૂપિયા આપવામાં આવતા હતા. તેની સામે આ વર્ષે 9 રૂપિયા પેપર દીઠ આપવામાં આવશે. તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ગત વર્ષે 10 રૂપિયા પેપેર દીઠ શિક્ષકને આપવામાં આવતા હતા. જેમાં આ વખતે પણ 10 રૂપિયા પેપર દીઠ આપવાનો નિર્ણય કરેલ છે.
ગત વર્ષે શિક્ષણ વિભાગે પેપર ચકાસણી માટે શિક્ષકોને કુલ 12, 9,67, 500 રૂપિયા ચુકવ્યા હતા. જો કે આ વખતે પેપર ચકાસણીમાં રોકાયેલા શિક્ષકોને મહેતાણા વધારો કરતા રકમનો આંક વધ્યો છે. આ વર્ષે 75 હજાર શિક્ષકોને કુલ 16,1,17,500 રૂપિયા ચૂકવશે. એટલે કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે શિક્ષણ બોર્ડ પેપર ચકાસણી કરતા શિક્ષકોને પાછળ વધુ 4 કરોડ રૂપિયા વધુ ચૂકવશે. નોંધનીય છેકે, શિક્ષકોએ એક દિવસમાં કુલ 30 જેટલા પેપર ચકાસણી હાથ ધરશે. શિક્ષકોએ દિવસના 8 કલાકના ગાળામાં પેપર ચકાસણી કરવાની રહેશે.
શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ધોરણ 10ના પેપર 204 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર ચકાસણી થશે. તો ધોરણ 12 સામાન્ય પ્રવાહના પેપર 184 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પરથી ચકાસણી થશે. ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના પેપર 65 જેટલા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પરથી ચકાસણી થશે. નોંધનીય છેકે, આ વખતે ધોરણ 10 અને 12ના બંને પ્રવાહના પેપર 75 હજાર શિક્ષકો દ્વારા ચકાસણી કરવામાં આવશે. જેના ભથ્થામાં આ વર્ષે વધારો કરવામાં આવ્યો છે.