RTE એડમિશન સમયે ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરનાર વાલી સામે થશે કાર્યવાહી
આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: ગરીબ અને વંચિત જુથના બાળકો પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવે તે હેતુથી દર વર્ષે આરટીઇ અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામા આવે છે ત્યારે રાઇટ ટુ એજ્યુકેશન (RTE) અંતર્ગત આજથી પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. રાજ્યભરમાં 70 હજારથી વધુ જ્યારે અમદાવાદ શહેરમાં 8 હજારથી વધુ વિદ્યાર્થીઓને RTE હેઠળ પ્રવેશ ફાળવવામા આવશે. જેમાં ખોટી એફિડેવિટ અને ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.
વાલી 26 તારીખ સુધી વિદ્યાર્થીનુ ફોર્મ ભરી શકશે
રાજ્યભરમાં આજથી આરટીઇ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે ત્યારે વાલીઓ આગામી 26મી માર્ચ સુધી https://rte1.orpgujarat.com/ પર ફોર્મ ભરી શકશે.. આરટીઇ અંતર્ગત ચાલુ વર્ષે 73 હજાર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામા આવનાર છે ત્યારે અમદાવાદ શહેરમાં 8 હજારથી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામા આવશે. અમદાવાદના ડીઇઓએ જણાવ્યુ હતુ કે અમદાવાદ શહેરમાં આવેલી 1352 શાળાઓમાં 8010 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામા આવશે. વિદ્યાર્થીઓને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે તમામ આયોજનો શિક્ષણ વિભાગ દ્વારા કરવામા આવ્યા છે. કોઇપણ વાલીએ ફોર્મ ભરવા માટે ડીઇઓ કચેરી ખાતે જવુ નહી પડે અને ઘરબેઠા જ વિદ્યાર્થીઓ પોતાનુ ફોર્મ ભરી શકશે. ડીઇઓએ જણાવ્યુ હતુ કે વાલી 26 તારીખ સુધી વિદ્યાર્થીનુ ફોર્મ ભરી શકશે. જો વાલીએ અધુરા ડોક્યુમેન્ટ રજુ કર્યા હશે તો તેમનુ ફોર્મ 28 માર્ચે રિજેક્ટ થશે પરંતુ તેમને સુધારણા માટે એક તક આપવામા આવનાર છે. વાલીને આગામી 1 થી 3 એપ્રીલ સુધી ફોર્મ સુધારવાનો અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો ચાન્સ મળશે. અને ત્યારબાદ તેની સ્ક્રુટીની થઇને 6 એપ્રીલના રોજ પ્રથમ રાઉન્ડ જાહેર કરવામા આવશે.
આરટીઇનો લાભ લેવા માટે અનેક લોકો ખોટા પુરાવાઓ રજુ કરીને પ્રવેશ મેળવવાનો પ્રયાસ કરતા હોય છે ત્યારે આ ખોટા પુરાવા રજુ કરનાર સામે કાર્યવાહી કરવાની પણ ચિમકી ડીઇઓએ ઉચ્ચારી છે.. ડીઇઓએ ન્યુઝ કેપિટલ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે એડમિશન માટે ગ્રામ્ય વિસ્તારમાં 1.20 લાખ જ્યારે શહેરી વિસ્તારમાં 1.5 લાખની આવક મર્યાદા નક્કી કરવામા આવી છે અને આ માટે આવકનો પુરાવો અને જો ઇન્કમટેક્સનુ રિટર્ન ફાઇલ કરતા હોય તો તેની કોપી પણ અપલોડ કરવી ફરજીયાત કરવામા આવી છે.. જો કોઇ વાલી રિટર્ન ભરે છે પરંતુ ઓનલાઇન ફોર્મ ભરતી વખતે રિટર્ન ન ભરતા હોવાનુ જણવશે અને જો કચેરીને માલુમ પડશે તો ખોટા પુરાવાઓ રજુ કરવા બદલ તેમની સામે કાર્યવાહી કરવામા આવશે.