September 20, 2024

વડોદરાના BJP કોર્પોરેટરની મિલકત બેંક દ્વારા જપ્ત કરાઇ

અંકિત ઘોંસિકર, વડોદરા: શહેરના માંજલપુર વિસ્તારમાં ભાજપના વિવાદિત કોર્પોરેટર કલ્પેશ પટેલને બેંકે નોટિસ ફટકારી છે. જેમાં યુનિયન બેંકે કોર્પોરેટરના બંગલા અને દુકાનની બહાર નોટિસ લગાવી છે. જેમાં એ મિલકત અંગે કોઈ પણ વ્યવહાર નહીં કરવાની સૂચના આપવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની અલકાપુરી શાખાએ આજે BJP કોર્પોરેટર કલ્પેશ પટેલના માંજલપુર વિસ્તારના પુરૂષોત્તમ નગર સોસાયટીમાં આવેલ બંગલો ‘હરિદર્શન’ અને માંજલપુરમાં કાશમાં હાઇટ્સ બિલ્ડિંગમાં આવેલી દુકાનમાં નોટિસ લગાવીને કબજો લઇ લીધો છે. નોટિસમાં લખવામાં આવ્યું છેકે મિલકત અંગે કોઇએ પણ કોઇ પણ પ્રકારનો વ્યવહાર નહી કરવા માટે સૂચના આપી છે.

યુનિયન બેંકે લગાવેલી નોટિસ મુજબ કલ્પેશ પટેલને રૂ 1.78 કરોડના બાકી લેણા માટે ગત તા.11 ડિસેમ્બર 2023ના રોજ સિક્યુરીટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ એક્ટ 2002 હેઠળ નોટિસ આપીને 60 દિવસમાં વ્યાજ સાથે બેંકમાં નાણા જમા કરાવી દેવા માટે સૂચના આપવામાં આવી હતી. જોકે કલ્પેશ પટેલે નાણા જમા નહી કરાવતા આજે બેન્કે પુરૂષોત્તમ નગરમાં આવેલો 497.38 સ્ક્વેર મીટર જમીન પર બનેલો બે માળનો બંગલો અને કાશમાં હાઇટ્સ બિલ્ડિંગમાં આવેલી દુકાનનો કબજો લઇ લીધો છે.

આ સમગ્ર મામલે ભાજપ કોર્પોરેટર કલ્પેશ પટેલે કહ્યું કે, બેંક મેનેજરે પૂરતી માહિતીના અભાવે મારા વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. મેનેજરે કોઈ પણ જાતનો અભ્યાસ કર્યા વિના મને તાત્કાલિક નોટીસ ફટકારી છે. મારા વિરૂદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આ મારો વ્યક્તિગત વિષય છે. બેંકે આ માહિતી જાહેર કરીને મને બદનામ કર્યો છે.