ભાજપે લોકસભા ઉમેદવારની બીજી યાદી જાહેર કરી
અમદાવાદઃ ભાજપે લોકસભા ઉમેદવારની બીજી યાદી જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં ભાજપે 195 ઉમેદવારની યાદી જાહેર કરી હતી. જેમાં ગુજરાતની 15 લોકસભા બેઠક પરથી ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. જેમાં 10 ચહેરાને રિપિટ કરવામાં આવ્યા હતા અને 5 નવા નામ ઉમેરવામાં આવ્યા હતા. ત્યારે આજે બીજા લિસ્ટમાં 72 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતના 7 લોકસભા બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં સાબરકાંઠા બેઠક પરથી ભીખાજી ઠાકોર, અમદાવાદ પૂર્વ બેઠક પર હસમુખભાઈ પટેલ, ભાવનગરમાં નીમુબેન બાંભણિયા, વડોદરામાં રંજનબેન ભટ્ટ, છોટા ઉદેપૂરમાં જશુભાઈ રાઠવા, સુરતમાં મુકેશ દલાલ અને વલસાડમાં ધવલ પટેલને ટિકિટ આપવામાં આવી છે.
ભાજપે પહેલી યાદીમાં 195 સીટ પર નામ જાહેર કર્યા હતા
ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે 195 લોકસભા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. આ યાદીમાં પીએમ મોદી સહિત 34 કેન્દ્રીય મંત્રીઓના નામ સામેલ છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં 29 ફેબ્રુઆરીએ મળેલી પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં 16 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની લોકસભા સીટો માટેના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. આ વચ્ચે લોકસભાની ચૂંટણી માટે ગુજરાતના 15 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં 28 મહિલા આગેવાનોને પણ ટિકિટ આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશ 51, બંગાળ 20, મધ્યપ્રદેશ 24, ગુજરાત 15, રાજસ્થાન 15, કેરલ 12, તેલંગાના 9, આસામ 11, ઝારખંડ અને છત્તીસગઢ 11, દિલ્હી પાંચ સહિત 195 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.
કોંગ્રેસે ગુજરાતની 7 સીટ પર નામ જાહેર કર્યા
કોંગ્રેસે 43 ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર કરી હતી. ઉલ્લેખનીય છે કે, દિલ્હીથી કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરનું નામ જાહેર કરવામાં આવ્યું છે. તો પોરબંદરથી લલીત વસોયાનું નામ સામે આવ્યું છે. આ સિવાય બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. વલસાડથી અનંત પટેલનું નામ જાહેર કરાયું છે. અમદાવાદ પશ્ચિમમાંથી ભરત મકવાણાનું નામ સામે આવ્યું છે. આ સિવાય અમદાવાદ પૂર્વમાંથી રોહન ગુપ્તાનું નામ જાહેર કરાયું છે. તો કચ્છથી નીતિશભાઇ લાલનનું નામ જાહેર કરાયું છે.