December 19, 2024

સાબરમતી ગાંધી આશ્રમ આધુનિક ભારતનું તીર્થ બનશે: CM ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ: પીએમ મોદીએ અમદાવાદ ખાતે દાંડીકૂચ દિવસે સાબરમતી આશ્રમની મુલાકાત લઈ ગાંધીવંદના કરીને ‘આશ્રમ ભૂમિ વંદના’ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો હતો, આ પ્રસંગે CM ભૂપેન્દ્ર પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પૂજ્ય બાપુએ આ ભૂમિ પરથી 12 માર્ચ 1930ના રોજ દાંડી કૂચ કરી બ્રિટિશ શાસનની ગુલામીમાંથી દેશને મુક્ત કરવા આઝાદીની ચળવળનો પ્રારંભ કર્યો હતો. આજે એ જ ભૂમિ પર આઝાદીના અમૃતકાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેક્ટનો શુભારંભ થઈ રહ્યો છે, એ આપણાં સૌ દેશવાસીઓ અને ગુજરાત માટે ગૌરવની વાત છે.

આ પ્રસંગે પ્રવાસન મંત્રી મૂળુભાઇ બેરા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્ય મંત્રી મૂકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા, રાજ્યસભાના સાંસદ નરહરી અમીન, લોકસભા સાંસદ ડો.કિરીટ સોલંકી, સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, શહેરનાં મેયર પ્રતિભાબહેન જૈન, રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અગ્ર મુખ્ય સચિવ કે. કૈલાસનાથન, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, સ્મારક મંડળના ટ્રસ્ટી કાર્તિકેય સારાભાઈ તથા શહેરના સર્વે ધારાસભ્યઓ, ગાંધીવાદીઓ, સ્વછાગ્રહીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

પીએમ મોદીએ વર્ષ 2021માં આશ્રમના પુનઃ નિર્માણનો વિચાર વ્યક્ત કર્યો
ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે, પૂજ્ય મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમની સ્થાપના કરી ત્યારથી લઈને આ આશ્રમ રચનાત્મક કાર્યો, મૂળભૂત સિદ્ધાંતો, સત્યાગ્રહ અને આધ્યાત્મિક વિચારોના પ્રયોગાત્મકની કેન્દ્ર ભૂમિ રહ્યો છે. આઝાદી પહેલાં અનેક જનઆંદોલનના નિર્ણયો આ પવિત્ર ભૂમિ પરથી લેવાયા છે. એટલું જ નહીં દેશની આઝાદીનું સપનું પણ આ ભૂમિ પરથી જ સાકાર થયું છે.પુનઃનિર્માણ પ્રોજેક્ટથી સાબરમતી ગાંધી આશ્રમ આધુનિક ભારતનું તીર્થ બનશે એવો વિશ્વાસ વ્યક્ત કરતા ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પીએમ મોદીએ વર્ષ 2021માં પોતાની મુલાકાત દરિમયાન સાબરમતી ગાંધી આશ્રમના પુનઃ નિર્માણનો વિચાર વ્યક્ત કર્યો હતો અને એ વિચાર આજે સાકાર થઈ રહ્યો છે. ભૂપેન્દ્ર પટેલે વધુમાં ઉમેર્યું કે આ પ્રોજેક્ટથી નૈતિકતા, સત્વ અને તત્ત્વનું મૂળ જાળવવાની સાથે ધરોહર તેમજ ગાંધી વિચારો અને ગાંધી મુલ્યોને નૂતન સ્વરૂપે વિશ્વમાં વિસ્તરવાનું માધ્યમ બનશે.

વિકાસ અને વિરાસતના જતનની ગેરંટી પ્રમાણે નવું પરિસર વિરાસતના ગૌરવને વધારશે
મુખ્મંત્રીએ વધુમાં જણાવ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવના પર્વે પીએમ મોદીએ એક ભારત – શ્રેષ્ઠ ભારત અને ભારતને વિશ્વગુરુ બનાવવાના વિચારને સાકાર કરવા 12 માર્ચ 2021ના રોજ ગાંધીઆશ્રમ ખાતેથી જ દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું, ત્યારે આશ્રમના પુનઃનિર્માણ પ્રોજેક્ટના માધ્યમથી વિકાસ અને વિરાસતના જતનની ગેરંટી પ્રમાણે નવું પરિસર વિરાસતના ગૌરવને વધારશે. વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, આશ્રમવાસી અને ટ્રસ્ટીશ્રીઓ સાથે સંવાદ અને સહયોગથી કાયદાના ઉપયોગ વગર જમીન સંપાદનનું કામ પૂર્ણ થયું છે, જેનાથી નવનિર્માણનું કામ સમયસર શરૂ થઈ રહ્યું છે. 1200 કરોડની માતબર રકમ સાથે 55 એકરમાં આકાર પામનારા નૂતન પરિસરમાં કેન્દ્ર સરકારના આર્થિક સહયોગ બદલ પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે રૂ. 1200 કરોડના ખર્ચે પ્રસ્તાવિત 55 એકરમાં ફેલાયેલા આ પ્રોજેક્ટનો ઉદ્દેશ સાબરમતી આશ્રમ અને તેની આસપાસના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરીને તેમની ઓળખ સ્થાપિત કરવાનો તેમજ પ્રવાસીઓને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સાથે મહાત્મા ગાંધીજીને સમર્પિત એક વિશ્વસ્તરીય સ્મારકનું નિર્માણ કરવાનો છે. આ સ્મારક ભાવિ પેઢીઓ માટે પ્રેરણારૂપ બનશે અને ગાંધીજીના વિચારોની અસરકારકતા વધારશે. અહીંયા ગાંધીજીના દિવ્ય જીવન અને આશ્રમના ભવ્ય વારસાને દર્શાવતા માહિતીપ્રદ પ્રદર્શનોની સાથે જ પૂજ્ય બાપુ દ્વારા સાબરમતી આશ્રમથી શરૂ કરવામાં આવેલા સત્યાગ્રહ અને સ્વાતંત્ર્ય સંગ્રામને દર્શાવતા ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો પણ જોવા મળશે. આ ઉપરાંત આ સંકુલ મુલાકાતીઓ અને પ્રવાસીઓ માટે વ્યાખ્યાન કેન્દ્ર તેમજ જાહેર સુવિધાઓ જેવીકે ફૂડ કોર્ટ, સોવેનિયર શોપ વગેરે જેવી સુવિધાઓથી સજ્જ હશે. વધુમાં ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આ પ્રોજેક્ટમાં મુખ્ય આશ્રમની સાદગી અને અધિકૃત સ્થાપત્યોને જાળવી રાખીને 20 જૂના મકાનોનું સંરક્ષણ, 13 મકાનોનો જીર્ણોદ્ધાર અને 3 મકાનોનો પુનઃવિકાસ સામેલ છે. તેનો ઉદ્દેશ સાબરમતી આશ્રમની મુલાકાતે આવતા લોકો માટે શુદ્ધ, સ્વચ્છ, શાંતિપૂર્ણ અને હરિયાળું વાતાવરણ ઊભું કરવાનો છે.