December 26, 2024

શક્તિ અને શાંતિ: એક જ દિવસમાં PM મોદીએ આપ્યા બે મેસેજ

Pokhran Field Firing Range: પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત અને રાજસ્થાનની મુલાકાતે છે. ત્યારે આજે અમદાવાદ, ગુજરાતમાંથી અનેક રેલવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. જેમાં 10 નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપી હતી અને પીએમ મોદીએ મંગળવારે પુનઃવિકાસિત કોચરબ આશ્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા પછી મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત કરવામાં આવેલો તે પહેલો આશ્રમ હતો. આ ઉપરાંત ગાંધી આશ્રમ સ્મારકના માસ્ટર પ્લાનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ દુનિયા સમક્ષ શાંતિનો સંદેશ આપ્યો હતો. જોકે તે બાદ પીએમ મોદી રાજસ્થાનના પોખરણ ખાતે પહોંચ્યા હતા અને ભારતીય સેનાનું શક્તિ અભ્યાસ જોયો હતો. આમ એક જ દિવસમાં પીએમ નરેન્દ્ર મોદીએ દુનિયા સમક્ષ ભારતના શાંતિ અને શક્તિના બે સંદેશાઓ આપ્યા હતા.

આ પ્રસંગે વડાપ્રધાને કહ્યું કે બાપુનો આ સાબરમતી આશ્રમ હંમેશા અદ્ભુત ઉર્જાનું કેન્દ્ર રહ્યો છે. મને જ્યારે પણ અહીં આવવાનો અવસર મળે છે ત્યારે હું મારી અંદર બાપુની પ્રેરણા, સત્ય-અહિંસા અને ભક્તિનો સંકલ્પ સ્પષ્ટપણે અનુભવું છું. દેશના ગરીબ અને દલિત લોકોની સેવા એ ભગવાનની સેવા છે. સાબરમતી આશ્રમ આજે પણ બાપુના આ મૂલ્યોને જીવંત રાખે છે. સાબરમતી આશ્રમથી PM મોદીએ સંબોધન કર્યું છે. તેમણે સંબોધનમાં જણાવ્યું છે કે,  બાપુના મૂલ્યો આજે પણ અનેક લોકોના જીવનમાં સજીવ છે. તેમણે કહ્યું કે, આજે 12મી માર્ચ ઐતિહાસિક તારીખ છે. ગાંધીજી બે વર્ષ સુધી કોચરબ આશ્રમમાં રહ્યા હતા. ગાંધીજી ત્યારબાદ સાબરમતી આશ્રમમાં શિફ્ટ થયા હતા. તો આજના દિવસે બાપુએ દાંડી યાત્રાનો પ્રારંભ કર્યો હતો. તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, આઝાદી પહેલા દેખાયું હતું તેવું વાતાવરણ જોવા મળ્યું.

પીએમ મોદીની અમદાવાદની મુલાકાત બાદ પીએમ મોદી નરેન્દ્ર મોદીએ મંગળવારે 30 થી વધુ દેશોના પ્રતિનિધિઓ સાથે જેસલમેરમાં પોખરણ ફીલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે ‘ભારત શક્તિ’ અભ્યાસના સાક્ષી બન્યા હતા. આ અભ્યાસ સ્વદેશી શસ્ત્રોની ફાયરપાવર અને ત્રણેય સંરક્ષણ દળોની ઓપરેશનલ તૈયારી દર્શાવે છે. આ દરમિયાન સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે આજે આપણું પોખરણ ફરી એકવાર ભારતની આત્મનિર્ભરતા, ભારતના આત્મવિશ્વાસ અને ભારતના આત્મગૌરવની ત્રિવેણીનું સાક્ષી બન્યું છે. વધુમાં પીએમ મોદીએ કહ્યું કે આ પોખરણ છે, જે ભારતની પરમાણુ શક્તિનું સાક્ષી રહ્યું છે અને આજે અહીં આપણે સ્વદેશીકરણ દ્વારા સશક્તિકરણની શક્તિ જોઈ રહ્યા છીએ.

પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં અમે દેશને સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા માટે અથાક પ્રયાસો કર્યા છે અને MSME અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કર્યા છે. વધુમાં કહ્યું કે ‘આવનારા વર્ષોમાં જ્યારે આપણે વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનીશું, ત્યારે ભારતની સૈન્ય ક્ષમતા પણ નવી ઊંચાઈએ પહોંચશે. ભારતને ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનાવવામાં રાજસ્થાન મોટી ભૂમિકા ભજવવા જઈ રહ્યું છે. વિકસિત રાજસ્થાન, વિકસિત સેનાને સમાન તાકાત આપશે.’

સંરક્ષણ ક્ષેત્ર બન્યું એક્સપોર્ટર
દેશના સંરક્ષણ ક્ષેત્રની પ્રશંસા કરતા પીએમ મોદીએ કહ્યું, ‘તમે કલ્પના કરી શકો છો કે ભવિષ્યમાં ભારતીય સેના અને ભારતનું સંરક્ષણ ક્ષેત્ર કેટલું મોટું થવાનું છે.આમાં યુવાનો માટે રોજગાર અને સ્વરોજગારીની કેટલી તકો ઉભી થવા જઈ રહી છે. ભારત એક સમયે વિશ્વનું સૌથી મોટું સંરક્ષણ આયાત કરતું હતું, પરંતુ આજે ભારત સંરક્ષણ ક્ષેત્રે પણ મોટો નિકાસકાર બની રહ્યો છે. આજે ભારતની સંરક્ષણ નિકાસ 2014ની સરખામણીમાં 8 ગણી વધી ગઈ છે.

સંરક્ષણ ક્ષેત્રની સિદ્ધિઓની ગણતરી
પીએમ મોદીએ કહ્યું, ‘ભારતે છેલ્લા 10 વર્ષમાં પોતાના ફાઈટર એરક્રાફ્ટ બનાવ્યાં છે. ભારતે પોતાનું એરક્રાફ્ટ કેરિયર બનાવ્યું છે, C295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ભારતમાં બનાવવામાં આવી રહ્યા છે. ભારતમાં આધુનિક એન્જીનનું પણ ઉત્પાદન થવા જઈ રહ્યું છે. આજે દેશમાં ઉત્તર પ્રદેશ અને તમિલનાડુમાં સંરક્ષણ કોરિડોર બનાવવામાં આવી રહ્યા છે. આ ક્ષેત્રમાં અત્યાર સુધીમાં 7 હજાર કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે. આજે એશિયાની સૌથી મોટી હેલિકોપ્ટર બનાવવાની ફેક્ટરીએ ભારતમાં કામ કરવાનું શરૂ કર્યું છે.