December 19, 2024

જો તમે અમદાવાદના છો તો જ વાંચજો….

Kakariya

ક્રિસમસની ઉજવણી સાથે જ સમગ્ર દેશ ન્યૂ યરના સેલિબ્રેશનના મુડમાં આવી ગયું છે. ત્યારે અમદાવાદવાસીઓ માટે તો આ ઉજવણી ઘણી જ ખાસ બની જતી હોય છે. એક તરફ કાંકરિયા કાર્નિવલ શરૂ થઈ ગયો છે તો થોડા જ સમયમાં ફ્લાવર શો પણ ખુલ્લો મુકવામાં આવશે. આ સાથે જ 31 ડિસે. તો અમદાવાદમાં ફરી દિવાળી આવી ગઈ હોય તેવો માહોલ બની જશે. આ તમામ ઉજવણીઓને લઈને અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહી તે માટે ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

કાંકરિયા કાર્નિવલની ઉજવણીની તૈયારીઓ

કાંકરિયા કાર્નિવલમાં મોટી સંખ્યામાં મુલાકાત આવે છે, ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મેડિકલ વ્યવસ્થા કરવામાં આવી છે. કાંકરિયા પરિસરમાં ૬ મેડિકલ વાન તૈનાત કરવામાં આવી છે જેમાં પ્રાથમિક સારવાર આપવામાં આવશે. આ સાથે  મેડિકલ વાનમાં સારવાર લેવા આવનાર કોઈ મુલાકાતી શંકાસ્પદ જણાય તો તેનો કોરોના ટેસ્ટ માટે કૉર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં મોકલવામાં આવશે. કાંકરિયા કાર્નિવલમાં 7 એન્ટ્રી ગેટ, 3 સ્ટેજ હશે.સામાન્ય લોકો માટે કાર્નિવાલનો સમય- સવારે 10થી રાતના 10 સુધીનો હશે. ગત વર્ષે અંદાજે 22 લાખ મુલાકાતીઓ કાંકરિયા કાર્નિવાલમાં આવ્યા હતા. ઉલ્લેખનીય છેકે 2008થી કાંકરિયા કાર્નિવલની ઉજવણી કરવામાં આવી રહી છે.

પોલીસે બહાર પાડ્યુ જાહેરનામું

કાંકરિયા કાર્નિવલ અને નાતાલ ડ્રાઈવ લઈને પોલીસે પણ જાહેરનામું બહાર પાડ્યું છે. 3 શિફ્ટમાં પોલીસ બંદોબસ્ત રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવશે. સુરક્ષાના પગલે દરેક એન્ટ્રી એક્ઝિટ પર શી ટીમ, 2 DFMD તૈનાત કરવામાં આવી છે. સવારે 8 થી રાતે એક વાગે સુધી જાહેરનામું અમલી રહેશે. ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત ફટાકડા ફોડવા બાબતનું જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં ગ્રીન ક્રેકર્સનો ઉપયોગ કરવા કહેવામાં આવ્યું છે. જાહેર રોડ અને સાયલેન્ટ ઝોનમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ચાઈનીઝ ટુકકલ ખરીદ, વેચાણ ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ક્રિસમસ અને ન્યુ યરની રાત્રે 23:55 થી 00.30 સુધી ફોડી શકાશે. 31st ના રોજ સી.જી રોડ પર સાંજના સમયે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.