ભાજપ બાકીની 11 લોકસભા બેઠક પર નામ જાહેર કરે તેવી શક્યતા
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ત્યારે દિલ્હીમાં લોકસભા ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસની CEC બેઠક મળી હતી. મહત્વનું છે કે, ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોના નામની જાહેરાત આજે થાય તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, ભાજપની 195 ઉમેદવારની પહેલી યાદીમાં ગુજરાતની 15 લોકસભા બેઠકના ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે આજે બાકી 11 નામ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. આ 11માં મોટાભાગે નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે.
ભાજપે પહેલી યાદી જાહેર કરી હતી
ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે 195 લોકસભા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. આ યાદીમાં પીએમ મોદી સહિત 34 કેન્દ્રીય મંત્રીઓના નામ સામેલ છે. બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું કે, પીએમ મોદીની અધ્યક્ષતામાં 29 ફેબ્રુઆરીએ મળેલી પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં 16 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની લોકસભા સીટો માટેના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. આ વચ્ચે લોકસભાની ચૂંટણી માટે ગુજરાતના 15 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. તેમાં ગુજરાતમાંથી 10 નામ રિપિટ કરવામાં આવ્યા હતા. જ્યારે 5 નામ નવા ઉમેરવામાં આવ્યા હતા.
કોંગ્રેસની યાદી પણ જાહેર થાય તેવી શક્યતા
ગઈકાલે કોંગ્રેસ CEC બેઠકમાં 50 નામ પર સહમતિ થઈ છે. તેમાં ગુજરાતની 14 લોકસભા બેઠક પર પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાંથી 5 ઉમેદવારને ટેલિફોનિક જાણ પણ કરવામાં આવી હતી. બનાસકાંઠા, પોરબંદર, દમણ, અમરેલી, દીવ, પાટણ બેઠક પરના કોંગ્રેસના ઉંમેદવારોને તૈયાર કરવા માટે સૂચના આપવામાં આવી છે. બીજી તરફ, ગેનીબેન ઠાકોર, લલિત વસોયા, જેનીબેન ઠુમ્મરને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે.