લોકસભા ચૂંટણી પહેલાં ચૂંટણી કમિશનરનું રાજીનામુ
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલાં ભારતના ચૂંટણી કમિશનર અરુણ ગોયલે રાજીનામુ આપ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઇલેક્શન કમિશનરનું રાજીનામુ સ્વીકારી લીધું છે. ઉલ્લેખનીય છે કે, આગામી એક-બે અઠવાડિયામાં લોકસભા ચૂંટણીની જાહેરાત થવાની છે. તેવાં સમયે ચૂંટણી કમિશનરે રાજીનામું આપતા ચર્ચા ચાલુ થઈ ગઈ છે.
2027 સુધી કાર્યકાળ ચાલવાનો હતો
નવેમ્બર 2022માં તેઓ ચૂંટણી કમિશનર બન્યા હતા અને તેમનો કાર્યકાળ આગામી 2027 સુધી ચાલવાનો હતો. ઉલ્લેખનીય છે કે, અરુણ ગોયલની નિમણૂકને લઈને પણ ઘણો વિવાદ થયો હતો. 31 ડિસેમ્બર 2022ના રોજ તેઓ નિવૃત્ત થવાના હતા અને 18 નવેમ્બરના રોજ તેમને VRS મળ્યું હતું. VRS લીધાના બીજા જ દિવસે તેમને ચૂંટણી કમિશનર બનાવવામાં આવ્યા હતા. એડીઆરએ તેમની નિમણૂકમાં ઘણાં નિયમોના ઉલ્લંઘનના આક્ષેપો કર્યા હતા. તો કોર્ટે પણ તેમની નિમણૂકને લઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
ભાજપ-કોંગ્રેસ સહિત તમામ પક્ષોએ લોકસભા ચૂંટણી માટે તૈયારીઓ ચાલુ કરી નાંખી છે. ત્યારે તમામ પક્ષો જીતવા માટે એડીચોટીનું જોર લગાવતા જોવા મળી રહ્યા છે. ભાજપે 195 બેઠક પર લોકસભાના ઉમેદવારની પહેલી યાદી પણ જાહેર કરી નાંખી છે. ત્યારે આગામી એક અઠવાડિયામાં જ લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થાય તેવી શક્યતા છે.
ગુજરાતમાંથી હાલ 15 સીટ પર નામ નક્કી
ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે 195 લોકસભા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. આ યાદીમાં પીએમ મોદી સહિત 34 કેન્દ્રીય મંત્રીઓના નામ સામેલ છે. બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યુ હતુ કે, પીએમ મોદીની અધ્યક્ષતામાં 29 ફેબ્રુઆરીએ મળેલી પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં 16 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની લોકસભા સીટો માટેના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. આ વચ્ચે લોકસભાની ચૂંટણી માટે ગુજરાતના 15 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. તેમાં ગુજરાતના 10 જૂના જોગીને રિપિટ કરવામાં આવ્યા છે. જ્યારે 5 નવા ચહેરા મેદાનમાં ઉતાર્યા છે.