December 21, 2024

ચીન કરતા વધુ શક્તિશાળી રોકેટ ફોર્સ બનાવી રહ્યું છે ભારત, હિંદ મહાસાગરમાં તૈનાત થશે

ફાઇલ તસવીર

Submarine-Launched Cruise Missile: હિંદ મહાસાગરમાં ચીન અને પાકિસ્તાનની વધતી ગતિવિધિઓ પર ભારત ચાંપતી નજર રાખી રહ્યું છે. પાણીની અંદર બંને દેશોને હારાવવા માટે ભારતીય સેના 500 કિમી રેન્જની સબમરીન-લોન્ચ્ડ ક્રૂઝ મિસાઈલ (SLCM)નું પરીક્ષણ કરવા જઈ રહી છે. હવામાં અને જમીનમાં ચીન અને પાકિસ્તાન સામે લડવા ભારત પોતાની તાકાત વધારી રહ્યું છે. આ અંતર્ગત ભારતીય સેના ચીન પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના PLARF જેવી ભારતીય સેના રોકેટ ફોર્સ તૈયાર કરી રહી છે અને SLCM મિસાઈલ પણ તેનો એક ભાગ છે. નોંધનીય છે કે 16 ફેબ્રુઆરીએ ભારતીય નૌકાદળે જાહેરાત કરી હતી કે તે ટૂંક સમયમાં 500 કિમીની રેન્જ સાથે સબમરીનથી લોંચ કરાયેલી ક્રુઝ મિસાઈલનું પરીક્ષણ કરશે. અગાઉ મિસાઈલનું પરીક્ષણ એક વર્ષ પહેલા ફેબ્રુઆરીમાં જ કરવામાં આવ્યું હતું, જ્યારે તે મિસાઇલ 402 કિમીની રેન્જ હાંસલ કરી હતી. આ મિસાઇલો પ્રોજેક્ટ 75I હેઠળ સબમરીન પર તૈનાત કરવામાં આવશે.

ચીનના પાંચ શહેરો નષ્ટ થઈ શકે છે
યુરેશિયન ટાઈમ્સના રિપોર્ટ અનુસાર SLCMની 500 કિમીની રેન્જની મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવશે જે અગાઉ તેણે પહેલા ટેસ્ટમાં 402 કિમીની રેન્જ હાંસલ કરી હતી. જો કે ભારતીય સેના દ્વારા તેની રેન્જ વધારીને 800 કિમી સુધી લઇ જવાની યોજના છે. આવી મિસાઈલ ચીનના એક સાથે પાંચ શહેરો પર હુમલો કરી શકશે. તેમાં શાંઘાઈ, હાંગ્ઝો, વેન્ઝોઉ, એફયુજો અને ઝિઓમેનનો સમાવેશ થાય છે. SLCM મિસાઇલના ના બે પ્રકારો છે. જમીન પર હુમલો કરવા માટે લેન્ડ એટેક ક્રૂઝ મિસાઈલ્સ (LACM) અને નૌકાદળના જહાજોને નિશાન બનાવવા માટે એન્ટિ-શિપ ક્રૂઝ મિસાઈલ્સ (ASCM) છે.

ચીનનું PLARF શું છે?
ચીની સૈન્ય પાસે PLA રોકેટ ફોર્સ (PLARF) છે, જે બેઇજિંગના જમીની બેલિસ્ટિક મિસાઇલોના શસ્ત્રાગારને નિયંત્રિત કરે છે. PLARF પાસે 40 બ્રિગેડ છે તો બીજી બાજુ ભારત પણ આવી જ રોકેટ ફોર્સ બનાવી રહ્યું છે. રોકેટ ફોર્સ બનાવવાની યોજના પૂર્વ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે દ્વરા આપવમાં આવી હતી. આ અંતર્ગત ટૂંકી અને મધ્યમ રેન્જની બેલેસ્ટિક મિસાઈલોનો સમાવેશ પણ કરવામાં આવી રહ્યો છે અને સાથે સાથે લોંગ રેન્જ લેન્ડ એટેક ક્રુઝ મિસાઈલ પણ તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં આ મિસાઇલો 1500 કિમીની રેન્જની હશે. દેશની કંપનીઓ લાર્સન એન્ડ ટર્બો, ગોદરેજ, સમીર અને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠને આ માટે ભાગીદારી નોંધાવી છે.

પાકિસ્તાને બાબર 2નું કર્યું પરીક્ષણ
પાકિસ્તાને 2017માં હિંદ મહાસાગરમાં બાબર II સબમરીન લોન્ચ મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું જે 450 કિલોમીટરની રેન્જની મિસાઈલ છે. મિસાઇલમાં 450 કિલો વજનના હથિયારો લઈ જઈ શકે તેવી ક્ષમતા ધરાવે છે. જ્યારે ચીનની વાત કરીએ તો ચીન પાસે 8 બેલેસ્ટિક મિસાઈલ સબમરીન, 13 ન્યુક્લિયર એટેક સબમરીન અને 55 ડીઝલ-ઈલેક્ટ્રીક સબમરીન છે. માહિતી અનુસાર ભારતની સબમરીન ક્ષમતા આના કરતા ઘણી ઓછી છે. ચીનની નૌકાદળ માત્ર તેના કાફલામાં સબમરીન ઉમેરવા તરફ આગળ વધી રહી નથી, પરંતુ પાકિસ્તાનને અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ કરી રહી છે.