માંડલ-વિરમગામ અંધાપાકાંડ મામલો, 3 ડોક્ટર સસ્પેન્ડ
અમદાવાદઃ તાજેતરમાં માંડલ અને વિરમગામમાં અંધાપાકાંડની ઘટના બની હતી. તેને લઈને મેડિકલ કાઉન્સિલે મોટી કાર્યવાહી કરી છે. હાઇકોર્ટની સુઓમોટો બાદ કડક પગલાં લેવામાં આવ્યા છે. અંધાપાકાંડ સાથે જોડાયેલા 3 ઓપ્થેલ્મોલોજિસ્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટને પણ હોદ્દા પરથી હટાવ્યા છે. આ ઉપરાંત ટ્રસ્ટ અને ટ્રસ્ટીઓ વિરુદ્ધ ચેરિટી કમિશનરને પગલાં લેવા માટે આદેશ આપવામાં આવ્યો છે. મેડિકલ કોલેજ વિરુદ્ધ પગલાં લેવા માટે નેશનલ મેડિકલ કાઉન્સિલને જણાવ્યું છે.
માંડલના ઓપ્થેલમોલોજિસ્ટ ડોક્ટર જયમીન પંડ્યાનું લાયસન્સ એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. જ્યારે અમરેલીની હોસ્પિટલના ડોક્ટર પૂજા પરીખનું લાયસન્સ 6 મહિના માટે સસ્પેન્ડ કર્યું છે. જ્યારે ડોક્ટર અંકિતા મોઢવાણીનું લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અમરેલી હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડોક્ટર આરએમ જીટીયાને 6 મહિના માટે હટાવાયા છે. આ સિવાય ચાર નર્સિંગ સ્ટાફના કર્મીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે.
વિરમગામ અંધાપાકાંડ મામલે SITએ રિપોર્ટ રજૂ કર્યો
વિરમગામ અંધાપાકાંડ મામલે મોટો ખુલાસો થયો છે. આ અંધાપાકાંડની તપાસ માટે SITની રચના કરવામાં આવી હતી અને તેમને રિપોર્ટ સોંપવા માટે જણાવવામાં આવ્યું હતું. ત્યારે એસઆઇટીએ હાઇકોર્ટમાં તપાસનો રિપોર્ટ રજૂ કર્યો છે. તપાસ રિપોર્ટમાં એસઆઇટીની ટીમે ગંભીર ક્ષતિઓ હોવાનું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર અંધાપાકાંડ મામલે 9 નિષ્ણાત સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી અને સમગ્ર મામલે અહેવાલ સોંપવામાં આવ્યો હતો.
શું હતી સમગ્ર ઘટના?
અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં આવેલા માંડલ ગામે રામાનંદ આંખની હોસ્પિટલમાં અંધાપાકાંડ સર્જાયો હતો. 10 જાન્યુઆરીના રોજ 28 દર્દીના મોતિયાનાં ઓપરેશન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 17 દર્દીઓએ દેખાતું ન હોવાની ફરિયાદ કરી હતી. ત્યારે 17 જિંદગીઓની આંખની રોશની જતી રહ્યા બાદ આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. આ સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટ સુઓમોટો લીધી હતી અને સુનાવણી કરી હતી.
11 લોકો સામે ફરિયાદ નોંધાઈ
અન્ય દર્દીઓને હાલ અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત માંડલના અંધાપાકાંડમાં ટ્રસ્ટી અને તબીબ સહિત 11 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. સરકારે બનાવેલી સમિતિએ તપાસ પૂર્ણ કરી રિપોર્ટ સોંપ્યો છે.