દર મહિને 7 લાખ સેલેરી! ભાગલપુર IIITની વિદ્યાર્થિનીઓએ ઇતિહાસ રચ્યો
ભાગલપુરઃ બિહારના ભાગલપુરમાં આવેલી ટ્રિપલ આઇટીના વિદ્યાર્થીઓનું કેમ્પસ સિલેક્શનમાં શાનદાર પ્રદર્શન રહ્યું છે. આ સંસ્થાની બે વિદ્યાર્થિનીઓ ઇશિકા ઝા અને સંસ્કૃતિ માલવિયને 83 લાખ રૂપિયાનું પેકેજ મળ્યું છે. એટલે કે દર મહિને લગભગ સાડા સાત લાખ રૂપિયા સેલેરી મળશે. મળતી માહિતી પ્રમાણે, બંને બીટેક કમ્પ્યૂટર સાયન્સના ત્રીજા વર્ષની વિદ્યાર્થી છે. ઇશિકા ઝા હરિયાણીની વતની છે, જ્યારે સંસ્કૃતિ માલવિય ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની વતની છે. બંને વિદ્યાર્થિનીઓના કોર્ષ હજુ પૂરા નથી થતાં તે પહેલાં જ તેમનું કેમ્પસ સિલેક્શન થઈ ગયું છે. એવું ચર્ચા રહ્યું છે કે, 83 લાખ રૂપિયાનું પેકેજ મેળવીને ઇશિકા અને સંસ્કૃતિએ ઇતિહાસ રચી દીધો છે.
2021-25 બેન્ચના વિદ્યાર્થીઓનું કેમ્પસ સિલેક્શન
ભાગલપુર ટ્રિપલ આઇટીના 2020-24ની બેન્ચના ફાઇનલ યરના વિદ્યાર્થીઓનું હજુ સુધી કેમ્પસ સિલેક્શન થયું નથી. તે પહેલાં 2021-25ની બેન્ચના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓનું કેમ્પસ સિલેક્શન થઈ ગયું છે. બંને બેન્ચના વિદ્યાર્થીઓએ જણાવ્યુ છે કે, શરૂઆતથી જ તેમનો પ્રયત્ન હતો કે કોઈ સારી કંપની મળે. તેના માટે તેમણે અલગથી જ તૈયારી ચાલુ કરી દીધી હતી. પહેલા વર્ષથી જ તેમણે કોડિંગ શીખવાની શરૂઆત કરી દીધી હતી. મોક ઇન્ટરવ્યૂની તૈયારી માટે તેઓ સતત પ્રયત્ન કરતા હતા.
બંને વિદ્યાર્થિનીઓએ જણાવ્યું હતું કે, મોટાભાગે ઇન્ટરવ્યૂ દરમિયાન કેવા પ્રશ્નો પૂછવામાં આવે છે તે અંગેની જાણકારી સિનિયર પાસેથી લીધી હતી. તૈયારીને લઈને પણ સિનિયર સાથે ચર્ચા કરી હતી. સિનિયર જોડે મોક ઇન્ટરવ્યૂ પણ કરાવ્યો હતો. આ રીતે લગન અને મહેનતનું પરિણામ એ આવ્યું કે, બંને વિદ્યાર્થિનીઓને સફળતા મળી.
પ્રોજેક્ટ માટે ગૂગલે સૌથી વધુ માર્ક્સ આપ્યાં
ઇશિકા ઝાએ જણાવ્યુ હતુ કે, તેમણે ગૂગલ હેકાથોનમાં ભાગ લીધો હતો. હેકાથોનમાં તેમને પર્યાવરણ વિષય મળ્યો હતો. જેમાં ફોરેસ્ટ ફાયર પ્રિડિક્શન પર પ્રોજેક્ટ બનાવ્યો હતો. આ કામ માટે તેમને સૌથી વધુ 2.5 ટકા માર્ક્સ મળ્યા હતા. તો સંસ્કૃતિએ જણાવ્યું હતું કે, ગૂગલ હેકાથોનમાં તેમણે સ્ત્રી સશક્તિકરણને લગતી એક એપ બનાવી હતી. આ એપની મદદથી મહિલાઓ ઓળખાણ આપ્યા વગર અમુક પ્રકારના પ્રશ્નો પૂછી શકે છે કે જે જાહેરમાં પૂછવામાં તેમને સંકોચ આવતો હોય છે. સંસ્કૃતિના જણાવ્યા પ્રમાણે, આ પ્રોજેક્ટ માટે ગૂગલે તેમને 2.5 ટકા માર્ક્સ આપ્યા હતા.