વિરમગામ અંધાપાકાંડ મામલે SITની ટીમે કર્યા ચોંકાવનારા ખુલાસા
અમદાવાદઃ જિલ્લાના વિરમગામ સર્જાયા અંધાપાકાંડ મામલે મોટો ખુલાસો થયો છે. આ અંધાપાકાંડની તપાસ માટે SITની રચના કરવામાં આવી હતી અને તેમને રિપોર્ટ સોંપવા માટે જણાવવામાં આવ્યું હતું. ત્યારે એસઆઇટીએ હાઇકોર્ટમાં તપાસનો રિપોર્ટ રજૂ કર્યો છે.
તપાસ રિપોર્ટમાં એસઆઇટીની ટીમે ગંભીર ક્ષતિઓ હોવાનું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર અંધાપાકાંડ મામલે 9 નિષ્ણાત સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી અને સમગ્ર મામલે અહેવાલ સોંપવામાં આવ્યો હતો.
આ અહેવાલમાં સરકારની ગાઇડલાઇનનું પાલન ન થયાની વિગતો પણ સામે આવી છે. ઇન્ફેક્શન આઉટબ્રેક પોલિસી તથા કેટ્રેક્ત સર્વિસની કવોલિટી માટેની ગાઈડલાઈનનું પણ પાલન નહીં થયું હોવાનો ખુલાસો થયો છે. માળખાકીય સુવિધાઓ, કવોલિફાઈડ સ્ટાફ, રેકર્ડ જાળવણી અને ઓપરેશન થિયેટરમાં પ્રોટોકોલ બાબતે પણ ગંભીર ક્ષતિઓ હોવાનો ખુલાસો થયો છે.
મહત્વનું છે કે, દર્દીઓને આંખોમાં ચેપ લાગ્યા બાદ તેમની સારવાર માટે લેવાયેલાં પગલાંમાં પણ ગંભીર ભૂલો જોવા મળી છે. નેત્ર સર્જન ડૉ. જયમીન પંડ્યાએ ગાઈડલાઇન મુજબ કાર્યવાહી ન કરી હોવાનો પણ ખુલાસો કર્યો છે.
તો આ સમગ્ર મામલે નેત્રસર્જન વિરુદ્ધ કાર્યવાહી કરવા સક્ષમ કક્ષાએથી આદેશ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે ગુજરાત મેડિકલ કાઉન્સિલને નિયમ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવા આદેશ કર્યો હોવાનો રિપોર્ટ આપવામાં આવ્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં આવેલા માંડલ ગામે રામાનંદ આંખની હોસ્પિટલમાં અંધાપાકાંડ સર્જાયો હતો. 10 જાન્યુઆરીના રોજ 28 દર્દીના મોતિયાનાં ઓપરેશન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 17 દર્દીઓએ દેખાતું ન હોવાની ફરિયાદ કરી હતી. ત્યારે 17 જિંદગીઓની આંખની રોશની જતી રહ્યા બાદ આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. આ સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટ સુઓમોટો લીધી હતી અને સુનાવણી કરી હતી.
11 લોકો સામે ફરિયાદ નોંધાઈ
અન્ય દર્દીઓને હાલ અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત માંડલના અંધાપાકાંડમાં ટ્રસ્ટી અને તબીબ સહિત 11 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. સરકારે બનાવેલી સમિતિએ તપાસ પૂર્ણ કરી રિપોર્ટ સોંપ્યો છે.