October 18, 2024

અડાજણ પોલીસે માનવતા મહેકાવી, હર્ષ સંઘવીએ કર્યા વખાણ

સુરત: સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થતા રહે છે. ત્યારે રસ્તા પર રહેતા એક વૃદ્ધ માજીનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. જ્યારે સૂરતમાં અડાજણ પોલીસે માનવતા મહેકાવી છે. અશક્ત અને દયનીય સ્થિતિમાં વૃદ્ધાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે, સુરતના અડાજણમાં ફૂટપાથ પર રહેતા અશક્ત વૃદ્ધ મહિલા બીમાર હોવાની માહિતી મળતા અડાજણ પોલીસ દ્વારા સ્થળ પર જઈને, આ વૃદ્ધ માજીની ન માત્ર સારવાર કરાવવામાં આવી પણ એક વૃદ્ધાશ્રમમાં તેમની રહેવા-જમવાની વ્યવસ્થા કરાવી તેમની સેવા પણ કરી હતી.

જેને લઇને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આ વીડિયો શેર કરી પોલીસના વખાણ કર્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, ગુજરાત પોલીસની પ્રતિબદ્ધતા, નિષ્ઠા અને કરુણા ભાવ થકી અનેક લોકોને સુરક્ષા, સલામતી અને સેવા મળી રહી છે. સુરતના અડાજણ ખાતે એક નિરાશ્રિત વૃદ્ધ માજીની સહાયતા કરીને તેમને વૃદ્ધાશ્રમમાં દાખલ કરાવીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર અડાજણ પોલીસને અભિનંદન.

ઉલ્લેખનીય છે કે, આ વીડિયો વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે. જેમા ગુજરાત પોલીસ તેમની ફરજ બજાવતી જોવા મળી રહી છે. જેને લઇને રાજ્યભરમાં સુરત પોલીસના વખાણ થઇ રહ્યા છે.