January 5, 2025

સચિનની સાદગી: કાશ્મીરમાં લીધી બેટ ફેક્ટરીની મુલાકાત

કાશ્મીર: ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ સચિન તેંડુલકરે ભલે ક્રિકેટ છોડી દીધું હોય પરંતુ તેના ફેન ફોલોઈંગમાં કોઈ ઘટાડો થયો નથી. ક્રિકેટના ભગવાન કહેવાતા આ મહાપુરુષને જોવા માટે આજે પણ ભીડ જામે છે. આ દિવસોમાં માસ્ટર બ્લાસ્ટર તેમના પરિવાર સાથે ભારતના પ્રવાસ પર જોવા મળે છે. આગરામાં પોતાની પુત્રી અને પત્ની સાથે તાજમહેલ જોયા બાદ સચિન તેંડુલકર હવે કાશ્મીરના પ્રવાસે છે.

ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર શનિવારે પરિવાર સાથે જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં હતા. તેમણે અવંતીપોરા નજીક ચારસુ ખાતે બેટ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીની મુલાકાત લીધી હતી. આ જગ્યાના બેટ આખી દુનિયામાં પ્રખ્યાત છે અને આ જ વાતે સચિન તેંડુલકરને અહીં ખેંચી લાવી છે.

મળતી માહતી અનુસાર તેંડુલકરે આજે ચેરસુ વિસ્તારમાં આવેલી એમજે સ્પોર્ટ્સ ફેક્ટરીની મુલાકાત લીધી હતી અને ત્યાંના કામદારો સાથે વાતચીત કરી હતી. તેમજ આ દરેક લોકો સાથે વાતચીત કર્યા બાદ તે લોકો સાથે ફોટો પણ ક્લિક કરાવ્યા હતા.

તમને જણાવી દઇએ કે, એમજે સ્પોર્ટ્સ ફેક્ટરી, જે બેટ બનાવે છે, તેની માલિકી ચેરસુના બે ભાઈઓ મંજૂર અને જાવિદની છે. ઉલ્લેખનીય છે કે, તેંડુલકર સાથે તેની પત્ની અને પુત્રી સારા તેંડુલકર પણ હતા કાશ્મીરના એમજે સ્પોર્ટ્સ ફેક્ટરીની મુલાકાત લીધી હતી.જ્યારે સચિન તેંડુલકર કાશ્મીરમાં બેટ બનાવવાની ફેક્ટરીમાં પહોંચ્યો ત્યારે તેણે ત્યાં ખાવા-પીવાની મજા પણ માણી હતી. આ મહાન ખેલાડીને જોયા પછી, તેના ચાહકો તેની આસપાસ એકઠા થઈ ગયા અને તેમની તસવીર પણ ક્લિક કરી. સચિનની પુત્રી સારા અને પત્ની અંજલીના હાથમાં પણ બેટ જોવા મળ્યું હતું.