ધમકી બાદ ઝીશાન સિદ્દીકીના ઘરની સુરક્ષા વધારી, અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR દાખલ

Maharashtra: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ધારાસભ્ય અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના નેતા ઝીશાન સિદ્દીકીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તેમને ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ફરિયાદ બાદ બાંદ્રા પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR પણ નોંધી હતી. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત તેમના ઘરની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.
ધમકી અંગે ઝીશાન સિદ્દીકીએ દાવો કર્યો હતો કે ધમકીભર્યા ઈમેલમાં કહેવામાં આવ્યું હતું કે જો તે ડી-કંપનીના સભ્ય હોવાનો દાવો કરનાર વ્યક્તિને 10 કરોડ રૂપિયા નહીં ચૂકવે તો તેને પણ તેના પિતા બાબા સિદ્દીકીની જેમ મારી નાખવામાં આવશે.
ઝીશાનના ઘરની બહાર સુરક્ષા કડક
મહારાષ્ટ્રના અગ્રણી નેતાઓમાં ગણાતા બાબા સિદ્દીકીની હત્યા બાદ તેમના પુત્ર ઝીશાનની સુરક્ષા વધારી દેવામાં આવી હતી, પરંતુ હવે નવી ધમકી બાદ તેમની સુરક્ષા વધુ મજબૂત બનાવવામાં આવી છે. બાંદ્રા પશ્ચિમમાં ઝીશાનના ઘરની બહાર અતિ આધુનિક શસ્ત્રોથી સજ્જ પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ધમકીની ફરિયાદ મળ્યા બાદ પોલીસે જાનથી મારી નાખવાની ધમકી અને ખંડણી માંગવાના કેસની તપાસ શરૂ કરી છે. સાથે જ ઝીશાન સિદ્દીકીનું નિવેદન પણ નોંધવામાં આવશે.
આ પણ વાંચો: UPSCનું ફાઈનલ પરિણામ જાહેર, 3 ગુજરાતીઓ ટોપ 30માં
10 કરોડ રૂપિયાની માંગણી કરવાનો પણ આરોપ
ભૂતપૂર્વ ધારાસભ્ય ઝીશાન સિદ્દીકીએ જણાવ્યું હતું કે, “છેલ્લા 3 દિવસમાં મને ઘણા ઈમેલ મોકલવામાં આવ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જો તમે 10 કરોડ રૂપિયા નહીં આપો તો તમારી પણ બાબા સિદ્દીકીની જેમ હત્યા કરવામાં આવશે. ઈમેલ મોકલનાર વ્યક્તિએ ડી-કંપનીનો સભ્ય હોવાનો દાવો કર્યો હતો અને મને પોલીસનો સંપર્ક ન કરવાની ચેતવણી પણ આપી હતી.”
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના નેતા ઝીશાને કહ્યું, “તેમના અંગત ઇમેઇલ એકાઉન્ટ પર તેમને ધમકીભર્યા ઇમેઇલ મોકલવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે ઇમેઇલ મોકલનાર વ્યક્તિએ દાવો કર્યો છે કે બાબા સિદ્દીકીની હત્યા પાછળ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો હાથ નથી, પરંતુ ‘ડી-કંપની’નો હાથ છે.” ‘ડી-કંપની’ એ મુંબઈમાં દાઉદ ઇબ્રાહિમના સંગઠિત ગુના સિન્ડિકેટને આપવામાં આવેલું નામ છે. દાઉદ હાલમાં પાકિસ્તાનમાં રહે છે.
ઝીશાન સિદ્દીકીએ કહ્યું, “હું સતત ધમકીભર્યા ઈમેલથી કંટાળી ગયો હતો અને બાંદ્રા પોલીસનો સંપર્ક કર્યો.” આ અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું કે પોલીસની એક ટીમ ઝીશાનના બાંદ્રા સ્થિત નિવાસસ્થાને તેનું નિવેદન નોંધવા ગઈ છે.