ભાજપના તમામ ધારાસભ્ય દિલ્હી જશે, પાર્ટીની કાર્યકારી બેઠકમાં હાજરી આપશે
મલ્હાર વોરા, ગાંધીનગર : લોકસભા 2024 ની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ તેની તૈયારીઓ દેશભરમાં શરૂ કરી દીધી છે, તો બીજી તરફ રાજ્યસભાની ચૂંટણી પણ યોજાવાની છે. તેવામાં ગુજરાત ભાજપના તમામ ધારાસભ્યો દિલ્હી ખાતે મળનારી ભારતીય જનતા પાર્ટીની કાર્યકારી બેઠકમાં હાજર રહેશે.
ભાજપના તમામ ધરસભ્યો આ બેઠકમાં ભાગ લેશે
આગામી શનિવારે દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટીની કાર્યકારી બેઠક બોલાવવામાં આવી છે, જેને લઈને ગુજરાત ભાજપના તમામ ધરસભ્યો આ બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી જશે. ઉલ્લેખનીય છે કે, વિધાનસભામાં શનિવાર અને રવિવારે રજા હોવાથી ભાજપના તમામ ધારાસભ્યો પાર્ટીની કાર્યકારી બેઠકમાં ઉપસ્થિત રહેશે. તો બીજી તરફ રાજ્યસભાની ચૂંટણી પણ યોજાવાની છે, જેને લઈને પણ આ બેઠકમાં ચર્ચા થાય તેવી રાજકીય વર્તુળોમાં ગણગણાટ થઈ રહ્યો છે. સાથે જ આગામી લોકસભા ચૂંટણીને લઈને પણ મહત્વની ચર્ચાઓ આ બેઠકમાં થઈ શકે છે.
રાજ્યસભાની ચૂંટણીને લઈને ભાજપે સાત રાજ્યોમાં ઉમેદવાર જાહેર કર્યા
ઉલ્લેખનીય છે કે, લોકસભા 2024 ની ચૂંટણી હવે થોડા સમય બાદ દેશમાં યોજવાની છે, તે પહેલા રાજ્યસભાની ખાલી બેઠકોની પણ ચૂંટણી યોજાશે. તેવામાં ભાજપ દ્વારા આગામી લોકસભા અને રાજ્યસભાની ચૂંટણીને લઈને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી શકે છે. સાથે જ કેટલાક નેતાઓને આગામી ચૂંટણીને લઈને મહત્વની જવાબદારીઓ પણ સોંપવામાં આવી શકે છે. રાજ્યસભાની ચૂંટણીને લઈને ભાજપે સાત રાજ્યોમાં ઉમેદવાર જાહેર કર્યા છે, પરંતુ ગુજરાતની ચાર બેઠકો પર ભાજપે હજુ સુધી ઉમેદવારો જાહેર કર્યા નથી. તો બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહ હાલ ગુજરાત પ્રવાસે પણ છે, ત્યારે રાજ્યસભાની ચાર બેઠકો માટે ટૂંક સમયમાં નામ જાહેર થઈ શકે છે.