સ્માર્ટ સિટી સુરતની લાઈબ્રેરીમાં ખુરશીઓ તૂટેલી હાલતમાં, વિદ્યાર્થીઓને હાલાકી

અમિત રૂપાપરા, સુરત: સુરત શહેરને સ્માર્ટ સિટી કહેવામાં આવે છે પરંતુ આ સ્માર્ટ સિટીમાં હજુ પણ કેટલીક જગ્યા પર પાલિકાની બેદરકારી સામે આવી રહી છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા સરથાણા વિસ્તારમાં લાઇબ્રેરી બનાવવામાં આવી છે. પરંતુ આ લાઇબ્રેરીમાં વાંચન કરવા માટે આવતા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લાઈબ્રેરીમાં 55 ખુરશી વિદ્યાર્થી માટે મુકાઈ છે, પરંતુ તેમાંથી 30 ખુરશી હાલ તૂટેલી હાલતમાં છે. તો આરઓ પ્લાન્ટ પણ બંધ હાલતમાં હોવાથી વિદ્યાર્થી આ પ્લાન્ટનું પાણી પી શકતા નથી. ત્યારે વિદ્યાર્થીઓએ તંત્રને વિનંતી કરી છે કે લાઇબ્રેરીમાં સારી ખુરશીની વ્યવસ્થા કરવામાં આવે.

સુરતના સરથાણા વિસ્તારમાં સુરત મહાનગર પાલિકા દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદ મળી રહે તે હેતુથી વાંચનાલય બનાવવામાં આવી છે, પરંતુ આ લાયબ્રેરી વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી સમાન બની છે. કારણ કે વિદ્યાર્થી વાંચવા માટે આ લાયબ્રેરીમાં આવે છે પણ તેમને પૂરતી જગ્યા ન હોવાના કારણે અને પૂરતી સુવિધા ન હોવાના કારણે જમીન પર બેસીને વાંચન કરવું પડે છે. તો બીજી તરફ કેટલીક વખત તો વિદ્યાર્થીઓને પીવાના પાણીની તકલીફનો સામનો પણ લાઇબ્રેરીમાં કરવો પડી રહ્યો છે. વિદ્યાર્થી દ્વારા અવારનવાર સુરત મહાનગરપાલિકાને ફરિયાદ કરવા છતાં પણ સુરત મહાનગરપાલિકા દ્વારા વિદ્યાર્થીઓની ફરિયાદનો કોઈ નિવેડો લાવવામાં આવ્યો નથી.

વિદ્યાર્થીઓની ફરિયાદના આધારે ન્યુઝ કેપિટલની ટીમ દ્વારા સરથાણા વિસ્તારમાં આવેલી લાઇબ્રેરીમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓને બેસવા માટે 55 જેટલી ખુરશી મુકવામાં આવી છે પરંતુ આ 55 ખુરશીમાંથી 30 ખુરશી તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે. એટલે 33 ખુરશીમાં વિદ્યાર્થી ન બેસી શકે તે પ્રકારની પરિસ્થિતિ દેખાઈ રહી છે એટલે કે 55 માંથી 30 ખુરશી જ્યારે તૂટેલી છે ત્યારે 25 ખુરશીમાં કઈ રીતે 50 કરતાં વધારે વિદ્યાર્થીઓ બેસે તે પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે. બીજી તરફ ખુરશીઓના અભાવના કારણે કેટલાક વિદ્યાર્થીઓને જમીન પર બેસીને વાંચવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત લાઇબ્રેરીમાં આરો પ્લાન્ટ ખરાબ હોવાના કારણે વિદ્યાર્થીઓને પણ પીવાનું ચોખ્ખું પાણી મળતું નથી.

ન્યુઝ કેપિટલ દ્વારા જ્યારે આ લાઇબ્રેરીની વિઝીટ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે પ્રતિદિન સરેરાશ 60થી 70 જેટલા વિદ્યાર્થી વાંચન કરવા માટે આવે છે પરંતુ વિદ્યાર્થીઓને બેસવાની પૂરતી જગ્યા આ લાઇબ્રેરીમાં નથી. તો બીજી તરફ વિદ્યાર્થીઓ દ્વારા સુરત મહાનગરપાલિકાને તેમજ જે કોન્ટ્રાક્ટર દ્વારા લાઇબ્રેરીનો સંચાલન કરવામાં આવે છે તે કોન્ટ્રાક્ટરને તૂટેલી ખુરશી દૂર કરી નવી ખુરશી લાવવા બાબતે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ એક પણ વખત વિદ્યાર્થીઓની રજૂઆત તંત્ર દ્વારા ધ્યાને લેવામાં આવી નથી.

વાંચન કરવા આવતા વિદ્યાર્થીઓ દ્વારા ન્યુઝ કેપિટલને જણાવવામાં આવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી લાઇબ્રેરીમાં બેસવાની તકલીફ પડી રહી છે પરંતુ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી. આ ઉપરાંત પીવાના પાણીનો આરો પ્લાન્ટ બંધ હાલતમાં છે તેના કારણે આ પાણી આરોગ્યને નુકસાનકારક જણાઈ આવે છે તેથી અમારે પોતાના ઘરેથી જ પાણી લઈને અહીંયા સુધી આવવું પડી રહ્યું છે.