વિરોધ કરી રહેલા ખેડૂતો PM અને ગૃહમંત્રીના નિવાસસ્થાનને ઘેરી શકે છેઃ રિપોર્ટ
Farmer Protest: ગુપ્તચર અહેવાલો અનુસાર દિલ્હીની આસપાસના રાજ્યોના ખેડૂતો કાર, બાઇક, મેટ્રો, રેલ, બસ દ્વારા રાષ્ટ્રીય રાજધાની દિલ્હી આવે તેવી સંભાવના છે. ઇન્ટેલના રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કેટલાક ખેડૂતો ગુપ્ત રીતે પીએમ, ગૃહમંત્રી, કૃષિ મંત્રી અને ભાજપના મોટા દિગ્ગજ નેતાઓના ઘરની બહાર કેમ્પ કરી શકે છે. માહિતી અનુસાર પંજાબ અને હરિયાણાના લગભગ 23 ખેડૂત સંગઠનોએ 13 ફેબ્રુઆરીના રોજ દિલ્હી સુધી કૂચની જાહેરાત કરી છે, જેમાં MSP પર કાયદાકીય ગેરંટી અને એમએસ સ્વામીનાથન કમિશનની ભલામણોને લાગુ કરવાની માંગણી કરી છે. આ પહેલા ખેડૂતોના આંદોલનને લઈને એક ઈન્ટેલિજન્સ રિપોર્ટ સામે આવ્યો છે, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રદર્શનકારીઓએ આ વિરોધની તૈયારીઓ ઘણા મહિનાઓ પહેલા શરૂ કરી દીધી હતી. અહેવાલ અનુસાર ખેડૂતોએ ટ્રેક્ટર માર્ચ કાઢવા માટે 40 રિહર્સલ (હરિયાણામાં 10 અને પંજાબમાં 30) કર્યા છે.
માહિતી અનુસાર પંજાબના ગુરુદાસપુર વિસ્તારમાં મહત્તમ 15 ટ્રેક્ટર માર્ચ રિહર્સલ થયા છે. આંદોલન માટે 15 થી 20 હજાર ખેડૂતો 2000-2500 ટ્રેક્ટર સાથે દિલ્હી કૂચ કરે તેવી સંભાવના છે. ગુપ્તચર રિપોર્ટ અનુસાર પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, કેરળ અને કર્ણાટકના ખેડૂતો રાષ્ટ્રીય રાજધાની તરફ આવી રહ્યા છે. આ આંદોલનને લઈને ખેડૂત સંગઠનોએ 100 થી વધુ બેઠકો કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અસામાજિક તત્વો આ આંદોલનનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી શકે છે અને તેમાં સામેલ થઈને કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડી શકે છે. રિપોર્ટ અનુસાર દિલ્હીની આસપાસના રાજ્યોના ખેડૂતો કાર, બાઇક, મેટ્રો, રેલ, બસ દ્વારા રાષ્ટ્રીય રાજધાની આવી શકે છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કેટલાક ખેડૂતો ગુપ્ત રીતે પીએમ, ગૃહમંત્રી, કૃષિ મંત્રી અને ભાજપના મોટા નેતાઓના ઘરને ઘેરી શકે છે. દિલ્હીમાં ઘૂસવા માટે બાળકો અને મહિલાઓને આગળ કરી શકે છે. માહોલ ન બગડે તે માટે સોશિયલ મીડિયા પર નજર રાખવાની જરૂર છે અને દિલ્હીની સરહદો પર મજબૂત બેરિકેડિંગ અને કડક સુરક્ષાની જરૂર છે.
‘યુનાઈટેડ કિસાન મોરચા’આ વિરોધમાં સામેલ નથીઃ હન્નાન મોલ્લા
અખિલ ભારતીય કિસાન સભાના ઉપાધ્યક્ષ હન્નાન મોલ્લાએ કહ્યું, વધુમાં કહ્યું કે ‘સંયુક્ત કિસાન મોરચા આ વિરોધમાં સામેલ નથી. ઓલ ઇન્ડિયા કિસાન સભા સંયુક્ત કિસાન મોરચામાં સામેલ સૌથી મોટી સંસ્થા છે અને અમે આ પ્રદર્શનમાં ભાગ નહીં લઇએ. નોંધનયી છે કે ખેડૂતોના આંદોલન પછી કેટલાક સંગઠનો યુનાઈટેડ કિસાન મોરચાથી અલગ થઈ ગયા હતા અને તેઓએ આ વિરોધનું એલાન કર્યું હતું. જ્યારે યુનાઇટેડ કિસાન મોરચાએ આંદોલન કર્યું ત્યારે સરકારે ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચી લીધા હતા. નોંધનીય છે કે ત્યારે સરકારે એમએસપી, વીજળીના દર અને લોન માફીની કાયદાકીય ગેરંટી વિશે વાત કરવાનું વચન આપ્યું હતું.
આવતીકાલે ખેડૂત સંગઠનો અને કેન્દ્ર વચ્ચે બીજી વાર વાતચીત થશે
ખેડૂત સંગઠનોનું એક પ્રતિનિધિમંડળ કેન્દ્ર સરકાર સાથે 12 ફેબ્રુઆરીએ ચંદીગઢના મહાત્મા ગાંધી સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન સેક્ટર 26 ખાતે બીજા તબક્કાની વાતચીત કરશે. કેન્દ્ર સરકાર તરફથી આ વાતચીતમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, અર્જુન મુંડા અને નિત્યાનંદ રાય ભાગ લેશે. માહિતી અનુસાર ખેડૂત સંગઠનોનું પ્રતિનિધિત્વ જગજીત સિંહ ડલ્લેવાલ અને સર્વન સિંહ પંઢેર કરશે. અગાઉ બંને પક્ષો વચ્ચે 8 ફેબ્રુઆરીના રોજ ચંદીગઢમાં જ પ્રથમ તબક્કાની વાતચીત થઈ હતી. બીજી બાજુ ખેડૂતોના આંદોલનને લઈને દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર છે. હરિયાણા-પંજાબ સાથે જોડાયેલી દિલ્હી બોર્ડર પર ખેડૂતોને રોકવા માટે કોંક્રિટ અને લોખંડના બેરિકેડ લગાવવામાં આવી રહ્યા છે.
દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર, સરહદો સીલ કરવાની તૈયારી કરી રહી છે
દિલ્હીની સરહદો પર રસ્તાઓ રોકવા માટે મોટી ક્રેન્સ અને કન્ટેનર મૂકવામાં આવ્યા છે. જો ખેડૂત પ્રદર્શનકારી હરિયાણા અને પંજાબને પાર કરીને દિલ્હીની સરહદમાં ઘુસવાનો પ્રયાસ કરશે તો ક્રેન્સ અને કન્ટેનર વડે સરહદ સીલ કરી દેવામાં આવશે. ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલે એક નિવેદન જારી કરીને કહ્યું કે, ‘એક તરફ સરકાર અમને વાતચીત માટે આમંત્રણ આપી રહી છે, તો બીજી બાજુ હરિયાણામાં અમને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે. સરહદો સીલ કરવામાં આવી રહી છે, કલમ 144 લાગુ કરવામાં આવી છે. ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. શું સરકારને ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવાનો અધિકાર છે? આવી સ્થિતિમાં સકારાત્મક માહોલમાં વાતચીત થઈ શકે નહીં. સરકારે આ બાબતે તાત્કાલિક ધ્યાન આપવું જોઈએ.