January 19, 2025

સમીર વાનખેડે વિરૂદ્ધ ED એ દાખલ કર્યો મની લોન્ડરિંગનો કેસ

મુંબઈઃ બોલિવૂડ બાદશાહ શાહરૂખ ખાન માટે એક સમયે મુશ્કેલી સર્જનાર મુંબઈ એનસીબી(NCB)ના પૂર્વ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે હવે પોતે પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. EDએ IRS ઓફિસર સમીર વાનખેડે વિરુદ્ધ કેસ નોંધ્યો છે. માહિતી અનુસાર EDએ પીએમએલએ એક્ટ હેઠળ આ કેસ નોંધ્યો છે. બીજી બાજુ EDએ કેટલાક લોકોને સમન્સ પણ જારી કર્યા છે અને ED દ્વારા આગામી સપ્તાહે ત્રણ NCB અધિકારીઓની પૂછપરછ કરવામાં આવશે.

સીબીઆઈએ સમીર વાનખેડે સામે પણ કેસ નોંધ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સમીર વાનખેડે અને અન્યો વિરુદ્ધ સીબીઆઈ દ્વારા નોંધાયેલી એફઆઈઆરના આધારે પીએમએલએ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. EDએ આ મામલે કેટલાક લોકોની પૂછપરછ પણ કરી છે. એટલું જ નહીં, EDએ NCB અને અન્ય સાથે જોડાયેલા કેટલાક લોકોને આવતા અઠવાડિયે પૂછપરછમાં સામેલ થવા માટે તેની મુંબઈ ઓફિસમાં બોલાવ્યા છે. નોંધનીય છે કે સીબીઆઈએ ગયા વર્ષે સમીર વાનખેડે અને અન્ય ચાર લોકો વિરુદ્ધ શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ડ્રગ્સના કેસમાં ફસાવવા બદલ 25 કરોડ રૂપિયાની લાંચ માંગવાના આરોપમાં FIR દાખલ કરી હતી. નોંધનીય છે કે શાહરૂખ ખાન અને પરિવાર આ કેસમાં ખરાબ રીતે ફસાયા હતા.

આર્યન ખાન ડ્રગ્સ કેસમાં સંડોવાયેલો હતો
ઉલ્લેખનીય છે કે જ્યારે શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસમાં સંડોવાયેલો હતો ત્યારે સમીર વાનખેડે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના મુંબઈ ઝોનલ હેડ હતા. સમીર વાનખેડેના નેતૃત્વમાં NCBએ વર્ષ 2021માં મુંબઈના દરિયાકાંઠે એક ક્રુઝ પર દરોડા પાડ્યા હતા અને આર્યન ખાનની ધરપકડ કરી હતી. આ ડ્રગ કેસમાં આર્યન ખાનને લગભગ ચાર અઠવાડિયા જેલમાં રહેવું પડ્યું હતું. જો કે, 2022ના મે મહિનામાં આર્યન ખાન વિરુદ્ધ પૂરતા પુરાવાના ન મળતા તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.

દેશભક્ત હોવાની સજા મળી: વાનખેડે
બીજી બાજુ વાનખેડેએ આરોપ લગાવ્યો છે કે તેમને દેશભક્ત હોવાની સજા આપવામાં આવી રહી છે. વાનખેડેએ કોર્ડેલિયા ક્રૂઝ પર દરોડા પાડ્યા અને કથિત ડ્રગ કેસમાં અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરી હતી.