વનાણા ટોલનાકું અન્ય સ્થળે ખસેડવા રજૂઆત, પોરબંદર મનપાની માગને ઓથોરિટીનો નનૈયો

પોરબંદર: પોરબંદર મહાનગરપાલિકા થતા નજીક ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં દિગ્વિજયગઢ અને વનાણા ગામનો પણ પોરબંદર મનપામાં સમાવેશ થયો છે. ત્યારે વનાણા ટોલનાકું પોરબંદર મનપાની હદમાં આવતું હોવાથી દિગ્વિજયગઢ પછીના કોઈપણ સ્થળે ટોલનાકું ખસેડવા પોરબંર મનપાએ હાઇવે ઓથોરિટીને પત્ર લખ્યો હતો. પરંતુ ટોલનાકું શિફ્ટ કરવામાં ઓથોરિટી દ્વારા નનૈયો ભણી દેવામાં આવ્યો છે. જેને કારણે કાર સહિતના મોટા વાહનોને ટોલ ટેક્સ ભરવો પડે છે.

પોરબંદરમાં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા હસ્તકનું ટોલનાકું પોરબંદર મહાનગરપાલિકામાં સમાવેશ વનાણા ગામ પાસે આવેલ છે. પોરબંદર મહાનગરપાલિકામાં 4 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વનાણા અને દિગ્વિજયગઢ ગામનો પણ સમાવેશ થયેલ છે. વનાણા ટોલનાકું પોરબંદર મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં આવી જતા આ ટોલનાકુ દિગ્વિજયગઢ પછી કોઈપણ સ્થળે ખસેડવામાં આવે તે માટે મનપાના કમિશનર એચ.જે. પ્રજાપતિ દ્વારા ઓથોરિટીને પત્ર લખી દરખાસ્ત કરવામાં આવી હતી. ભવિષ્યમાં દિગ્વિજયગઢ ખાતે મનપાના વાહનો તેમજ સિટીબસ શરૂ થશે. મનપા વિસ્તારમાં શહેરીજનો અવર જવર કરી શકે તે માટે કોઈ વાહનને ટોલ ટેકસ લાગી શકે નહીં જે અંગે ઓથોરિટીને પત્ર લખ્યો હતો, પરંતુ ઓથોરિટી દ્વારા નનૈયો ભણી દેવામાં આવ્યો છે.

પોરબંદર શહેરીજનોને દિગ્વિજયગઢ જવા માટે અને દિગ્વિજયગઢના નાગરિકોને કાર લઈને કે મોટા વાહન લઈને પોરબંદર આવવું હોય તો ટોલ ટેક્સ ચૂકવવો પડે છે. પોરબંદર મનપા હદમાં જ આવતા દિગ્વિજયગઢ ગામના અને શહેરીજનોને દિગ્વિજયગઢ જવા માટે ટોલ ટેક્સ ચૂકવવો પડી રહ્યો છે. તેમજ ભવિષ્યમાં સિટીબસને કોમર્શિયલ હોવાથી બસ પાસ પણ મળે નહીં જેથી સિટીબસને પણ ટોલ ટેક્સ ચૂકવવો પડશે, ત્યારે કમિશનર દ્વારા નાગરિકોના હિતમાં યોગ્ય કામગીરી કરવી જરૂરી બની છે. જેથી આ અંગે સંકલન સમિતિની બેઠકમાં મુદ્દો લેવામાં આવશે અને વહેલી તકે ન્યાય મળે તેવા પ્રયાસ કરવામાં આવશે.

પોરબંદર મહાનગરપાલિકાની હદમાં આવેલ વનાણા ટોલનાકું શિફ્ટ કરવાની હાઇવે ઓથોરિટીએ ના પાડી છે. ત્યારે લોકો શહેરની હદમાં અવર જવર કરવા માટે પણ 2 માસથી ટોલ ટેક્સ ચૂકવે છે અને આગામી સમયમાં જો બાયપાસ રોડ બનાવવાનું આયોજન થાય તો પણ પ્રક્રિયા અને રોડ બનતા લાંબો સમય લાગે તેમ છે. જેથી મનપાની હદમાં જ આવતા ટોલનાકા પર મોટરકાર સહિતના વાહનોને આવવા જવા માટે લાંબો સમય ટોલ ટેક્સ ચૂકવવો પડશે તેવું દેખાઈ રહ્યું છે.