જૂનાગઢ SOGની કાર્યવાહી, બસ સ્ટેન્ડમાં બિનવારસી બેગમાંથી 8 કિલો ગાંજો ઝડપ્યો

જૂનાગઢઃ મહાશિવરાત્રિના મેળાને લઈને ભવનાથ તળેટીમાં સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે SOG પોલીસને ચેકિંગ દરમિયાન બસ સ્ટેન્ડમાંથી ગાંજો મળી આવ્યો છે.
જૂનાગઢ SOGએ બિનવારસી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભવનાથનો મેળો હોવાથી મોટી સંખ્યામાં લોકો ઉમટે છે. ત્યારે ભીડભાડવાળા વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન બસ સ્ટેન્ડમાં એક શંકાસ્પદ બેગ બિનવારસી હાલતમાં મળી આવી હતી.
બેગને ખોલતાં તેમાંથી 8.6 કિલો ગાંજો મળી આવ્યો છે. ગાંજાના જથ્થાને લઈને SOG સહિતની પોલીસે CCTV ફૂટેજની તપાસ હાથ ધરી હતી. જેમાં બે શંકાસ્પદ શખ્સો કેમેરામાં કેદ થયા હતા. હાલ બંને શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.